ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક રમૂજી વીડિયો હાલમાં ચર્ચામાં છે. આ વીડિયોમાં રોહિતે કહ્યું કે ભારતને 2027નો વનડે વર્લ્ડ કપ જીતાડવા માટે તેને જે કરવું પડશે તે કરશે. આ વાત તેણે ભારતીય ટીમના વનડે કેપ્ટન શુભમન ગિલનાં લગ્નના સંદર્ભમાં કહી હતી. આ સમગ્ર વાતચીત રોહિત શર્માના ટીવી શો 'ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા' દરમિયાન થઈ હતી. શોમાં કોમેડિયન આકાશ ગુપ્તાએ એક રસપ્રદ વાત રજૂ કરી હતી. તેણે કહ્યું કે જે કેપ્ટનનાં લગ્ન થાય છે, તેની ટીમ આગામી વર્ષે વર્લ્ડ કપ જીતે છે. આકાશની વાતમાં શાદી ડોટ કોમના સ્થાપક અનુપમ મિત્તલે પણ સાથ આપ્યો. તેમણે મજાકમાં કહ્યું કે એટલે જ તેઓ શુભમન ગિલની પાછળ પડ્યા છે. આ વાત સાંભળીને શોમાં હાજર મહેમાનો હસવા લાગ્યા હતા.
ગિલને લગ્ન માટે પ્રસ્તાવ પણ મળ્યો!
વાતચીત દરમિયાન અનુપમ મિત્તલે ખુલાસો કર્યો કે તેમની ટીમે શાદી ડોટ કોમ પર શુભમન ગિલની પ્રોફાઇલ પણ બનાવી દીધી છે. તેમણે મજાકમાં કહ્યું કે હવે ગિલે માત્ર પ્રસ્તાવ સ્વીકારવાનો બાકી છે. અનુપમ મિત્તલે વધુમાં જણાવ્યું કે તેમની ટીમે ગિલનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ ગિલે અત્યારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એટલે કે ગિલ હાલમાં લગ્ન કરવા માંગતો નથી. આ વાત સાંભળીને રોહિત શર્માએ તરત જ રમૂજી અંદાજમાં જવાબ આપ્યો. તેણે કહ્યું, 'ના યાર! વર્લ્ડ કપ જીતવા માટે મારે જે કંઈ કરવું પડશે, એ બધું કરીશ.' રોહિતના આ જવાબથી શોમાં હાજર લોકો હસી પડ્યા હતા.
https://x.com/SonyLIV/status/2119082459920810272?a=cq3oIQizn8_NJLoPMBw&s=20
