ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ભવિષ્યને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયાને કોચિંગ આપી રહેલા ગંભીર પર IPLની 4 ફ્રેન્ચાઇઝીની નજર હોવાનું એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે, આ ટીમો ગંભીરને પોતાના કોચ અથવા મેન્ટર તરીકે સામેલ કરવા માગે છે. ખાસ વાત એ છે કે, આ ફ્રેન્ચાઇઝીઓ વર્લ્ડ કપ 2027 બાદ ગંભીરને પોતાની સાથે જોડવાની તૈયારી કરી રહી છે. જોકે, ગંભીર IPLમાં પાછા ફરશે કે નહીં તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ગંભીરના ભવિષ્યને લઈને ફરી ચર્ચા

છેલ્લા કેટલાક મહિનાઓથી ગૌતમ ગંભીરના કોચ તરીકેના ભવિષ્યને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. એવી પણ ચર્ચાઓ થઈ હતી કે વર્લ્ડ કપ 2027 પહેલાં તેમને મુખ્ય કોચના પદ પરથી હટાવવામાં આવી શકે છે. જોકે, તેમનો કરાર વર્લ્ડ કપ 2027 સુધીનો છે.પૂર્વ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પદ પરથી હટી ગયા બાદ ગંભીરને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં પણ ઘટાડો થયો હતો. હવે એક નવા અહેવાલે ફરી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. IPLની કેટલીક ટીમોએ ગંભીરને પોતાની સાથે જોડવા માટે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દીધા છે.

KKR ફરી ગંભીરને મેન્ટર બનાવવા માગે છે

આ ચાર ટીમોમાં સૌથી પહેલું નામ કોલકાતા નાઇટ રાઇડર્સનું સામે આવ્યું છે. KKR ફરી એકવાર ગૌતમ ગંભીરને પોતાના મેન્ટર તરીકે સામેલ કરવા ઉત્સુક હોવાનું કહેવાય છે.ગંભીરનો KKR સાથે જૂનો અને ખાસ સંબંધ રહ્યો છે. IPL 2024માં તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર હતા. તેમના માર્ગદર્શન હેઠળ ટીમે 10 વર્ષના લાંબા સમયગાળા બાદ IPLનો ખિતાબ જીત્યો હતો. આ સફળતા બાદ જ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી હતી.

રાજસ્થાન રોયલ્સે પણ કર્યો સંપર્ક?

KKR ઉપરાંત રાજસ્થાન રોયલ્સનું નામ પણ આ ચર્ચામાં સામે આવ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનની ફ્રેન્ચાઇઝીએ થોડા સમય પહેલાં ગંભીર સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.આ સિવાય અન્ય 2 ટીમો પણ ગંભીરને પોતાની સાથે જોડવા ઇચ્છે છે. જોકે, આ બંને ફ્રેન્ચાઇઝીનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી. અહેવાલ પ્રમાણે, તેમાંથી એક ટીમ IPLની સૌથી સફળ ટીમોમાં સામેલ છે, જ્યારે બીજી ટીમ હજુ સુધી IPLનો એકપણ ખિતાબ જીતી શકી નથી.

વર્લ્ડ કપ 2027 બાદ શું કરશે ગંભીર?

ગૌતમ ગંભીરને 2024માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમને વર્લ્ડ કપ 2027 સુધીનો કરાર આપ્યો છે. તેથી હાલ તેમનું ધ્યાન ટીમ ઈન્ડિયાની જવાબદારી પર જ રહેશે.બીજી તરફ, 2028માં યોજાનારી ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને BCCI તેમનો કરાર આગળ વધારે છે કે નહીં તે પણ મહત્વનું રહેશે. જો ગંભીર ટીમ ઈન્ડિયા સાથેનો કાર્યકાળ આગળ વધારવા ઇચ્છશે નહીં, તો IPLમાં તેમની વાપસીનો રસ્તો ખુલી શકે છે.હાલમાં તો ગંભીરના IPLમાં પાછા ફરવા અંગે માત્ર અટકળો જ છે. KKR સહિતની ફ્રેન્ચાઇઝીઓની રુચિ અંગેના અહેવાલો વચ્ચે હવે સૌની નજર વર્લ્ડ કપ 2027 બાદ ગંભીરના આગામી નિર્ણય પર રહેશે.

આ પણ વાંચો - Sport News : ઈશાન કિશનની વાપસી થાય તો વૈભવ OUT? ચોથી T20 પહેલાં આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું નિવેદન...