ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં પણ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું નહોતું. આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થયા હતા. ખાસ વાત એ હતી કે ભારતીય ટીમ શ્રેણી પહેલેથી જ જીતી ચૂકી હતી. આવી સ્થિતિમાં અંતિમ મેચમાં યુવા ખેલાડીઓને તક મળશે તેવી આશા હતી. જોકે, ટીમ મેનેજમેન્ટે પોતાની જૂની બેટિંગ સંયોજન પર જ વિશ્વાસ જાળવી રાખ્યો હતો.
ગૌતમ ગંભીરનું મોટું નિવેદન
હવે આ મામલે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેનું કામ દરેકને ખુશ કરવાનું નથી, પરંતુ ટીમ માટે યોગ્ય નિર્ણય લેવાનું છે. ગંભીરના આ નિવેદન બાદ વૈભવને તક ન આપવાના નિર્ણયની ચર્ચા ફરી શરૂ થઈ છે.
મારું કામ બધાને ખુશ કરવાનું નથી': ગૌતમ ગંભીર
હેમિલ્ટનમાં પાંચમી T20 મેચ શરૂ થતાં પહેલાં ટીમ પસંદગી અંગે વાત કરતાં ગૌતમ ગંભીરએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. પ્રસારણકર્તા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, 'સૌથી પહેલાં, મારું કામ બધાને ખુશ કરવાનું નથી. મારું કામ લોકપ્રિય નિર્ણયો લેવાનું નહીં, પરંતુ સાચા નિર્ણયો લેવાનું છે. હું અહીં એ જ કામ કરવા આવ્યો છું.'ગંભીરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે ટીમની પસંદગી કરતી વખતે બહારની ચર્ચાઓ કે ચાહકોની અપેક્ષાઓ કરતાં ટીમની જરૂરિયાતને વધુ મહત્વ આપે છે.
સોશિયલ મીડિયાના દબાણ કરતાં ટીમનું હિત મહત્વનું
ગૌતમ ગંભીરએ સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને ટીમની પસંદગીને લઈને થતી ચર્ચાઓ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેના મતે લોકપ્રિય નિર્ણય લેવો ખૂબ સરળ હોય છે, પરંતુ ટીમ માટે યોગ્ય નિર્ણય લેવો વધુ મહત્વપૂર્ણ છે.તેણે વધુમાં જણાવ્યું હતું કે, 'લોકપ્રિય નિર્ણય લેવો ખૂબ સરળ છે. પરંતુ મારા માટે સૌથી મહત્વની બાબત સાચો નિર્ણય લેવાની અને ડ્રેસિંગ રૂમની અંદર બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે તેની ખાતરી કરવાની છે.ગંભીરના મતે ટીમની અંદરનું વાતાવરણ અને ખેલાડીઓ વચ્ચેનો વિશ્વાસ જાળવી રાખવો પણ કોચની મહત્વપૂર્ણ જવાબદારી છે.
વૈભવ સૂર્યવંશીને પાંચમી T20માં તક કેમ ન મળી?
વૈભવ સૂર્યવંશીને અંતિમ મેચમાં તક ન મળવાનું કારણ સમજાવતાં ગંભીરએ ભારતીય ટીમમાં રહેલી પ્રતિભા અને સિનિયર ખેલાડીઓના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.તેણે કહ્યું હતું કે ભારતીય ટીમમાં ઘણી પ્રતિભા છે. જોકે, જે ખેલાડીઓ લાંબા સમયથી સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ ટીમમાં લાંબા સમય સુધી તક મેળવવાના હકદાર છે.ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતાં વૈભવ સૂર્યવંશીને 2 મેચ રમવાની તક મળી હતી. જોકે, ઈશાન કિશનની વાપસી થતાં જ વૈભવને ફરી પ્લેઇંગ-11માંથી બહાર બેસવું પડ્યું હતું.
આ પણ વાંચો - Sanju samson ફરી ફ્લોપ! 5 મેચમાં બનાવી શક્યો માત્ર આટલા રન