ભારતીય T20 ટીમમાં અત્યારે સૌથી વધુ ચર્ચા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને થઈ રહી છે. આ યુવા ખેલાડીને સતત પ્લેઇંગ-11માં તક મળી રહી નથી. જેના કારણે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ ઐયરના નિર્ણય પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વૈભવને તક ન મળવા પાછળ ઓપનિંગ જોડીનું સેટ હોવું મુખ્ય કારણ માનવામાં આવે છે. ખાસ કરીને સંજુ સેમસનને સતત તક આપવામાં આવી રહી છે. જોકે, ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં સંજુના નબળા પ્રદર્શન બાદ હવે તેના ટીમમાં સ્થાનને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં સંજુ સેમસન નિષ્ફળ

ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન સંજુ સેમસનનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. શ્રેણીની પ્રથમ મેચમાં તેણે 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, ત્યારબાદની ચારેય મેચમાં તેનું બેટ શાંત રહ્યું હતું.ખાસ વાત એ છે કે છેલ્લી 4 ઇનિંગમાં સંજુ કુલ મળીને પ્રથમ મેચમાં બનાવેલા 67 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. પાંચમી અને અંતિમ T20 મેચમાં પણ તે બે આંકડાનો સ્કોર બનાવી શક્યો નહોતો. આ પ્રદર્શન બાદ તેની પ્લેઇંગ-11માં જગ્યા અંગે સવાલો ઊભા થયા છે.

પાંચમી T20માં પણ સંજુ સેમસન ફ્લોપ

હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જોકે, ટીમની શરૂઆત સારી રહી નહોતી. બીજા જ ઓવરમાં અભિષેક શર્માની વિકેટ પડી ગઈ હતી.આવા સમયે સંજુ સેમસન પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ તે ફરી એકવાર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના બોલરો સામે તેને રન બનાવવા મુશ્કેલ પડી રહ્યા હતા. અંતે ચોથી ઓવરના પ્રથમ બોલે તે કેચઆઉટ થયો હતો.સંજુએ 10 બોલનો સામનો કરીને માત્ર 4 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 5 મેચની શ્રેણીનો અંત માત્ર 107 રન સાથે કર્યો હતો. તેના 67 રન પ્રથમ મેચમાં જ આવ્યા હતા. બાકીની કોઈપણ મેચમાં તે 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.

વૈભવ સૂર્યવંશીને તક ક્યારે મળશે?

સંજુ સેમસનના સતત નબળા પ્રદર્શન બાદ હવે વૈભવ સૂર્યવંશીને તક આપવાની માગ વધી રહી છે. 15 વર્ષનો વૈભવ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. જોકે, તેને સતત પ્લેઇંગ-11ની બહાર રાખવામાં આવી રહ્યો છે.એક તરફ સંજુને વારંવાર તક મળી રહી છે, જ્યારે બીજી તરફ વૈભવ બેન્ચ પર બેસીને પોતાની તકની રાહ જોઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર ક્રિકેટ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે.

ઘરઆંગણે સારું પ્રદર્શન, વિદેશમાં સંઘર્ષ

સંજુ સેમસનના સમર્થનમાં તેના અગાઉના પ્રદર્શનનો ઉલ્લેખ કરવામાં આવે છે. વર્ષ 2026માં તેણે ભારત માટે 30 ઇનિંગમાં 810 રન બનાવ્યા છે. આ આંકડા સાથે તે ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે.જોકે, વિદેશી મેદાનો પર તેનું પ્રદર્શન ચિંતાનો વિષય રહ્યું છે. ભારતની બહાર રમેલી 12 ઇનિંગમાં તેણે માત્ર 13ની સરેરાશથી 158 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર એક અડધી સદી જોવા મળી છે.હવે જોવાનું એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસન પર વિશ્વાસ જાળવી રાખે છે કે વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીને તક આપવાનો નિર્ણય કરે છે.

આ પણ વાંચો - Ishan Kishanનો ઐતિહાસિક ધમાકો! સૂર્યકુમારનો રેકોર્ડ તોડીને બન્યો નંબર-1