ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને પોતાના બેટથી ધમાલ મચાવી હતી. તેણે માત્ર 32 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ સાથે ઈશાન કિશને પૂર્વ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

ઈશાન કિશને મોટી સિદ્ધિ  પોતાના નામે કરી

લાંબા સમય સુધી ભારતીય ટીમની બહાર રહ્યા બાદ ઈશાન કિશને વર્ષ 2026માં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી. ત્યારબાદ તેને મળેલી તકનો તેણે પૂરેપૂરો લાભ લીધો છે. આ વર્ષે તેના બેટમાંથી ઘણી યાદગાર ઇનિંગ જોવા મળી છે. હવે તેણે વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.

37મી મેચમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં ઈશાન કિશન પ્રથમ મેચ રમ્યા બાદ ફિટનેસની સમસ્યાને કારણે આગામી 2 મેચમાંથી બહાર રહ્યો હતો. ત્યારબાદ ચોથી મેચમાં તેણે વાપસી કરી હતી, પરંતુ બેટિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.જોકે, પાંચમી અને અંતિમ મેચમાં ઈશાન અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. બીજા જ ઓવરમાં બેટિંગ કરવા ઉતરેલા ઈશાને શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. તેણે કેપ્ટન શ્રેયસ ઐયર સાથે મળીને ઝડપી રન બનાવ્યા હતા. ઈશાને માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને અંતે 32 બોલમાં 61 રન બનાવ્યા હતા.આ ઇનિંગ સાથે ઈશાન કિશને વર્ષ 2026માં પોતાના T20 આંતરરાષ્ટ્રીય રનનો આંકડો 1220 સુધી પહોંચાડ્યો હતો. આ સાથે તેણે સૂર્યકુમાર યાદવનો વર્ષ 2022માં બનાવેલો 1164 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

 Ishan Kishan most T20I runs

T20Iમાં 2000 રન પૂરા કરનાર ત્રીજા સૌથી ઝડપી ભારતીય

ઈશાન કિશને પાંચમી T20 મેચમાં 61 રનની ઇનિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા હતા. આ સાથે તે સૌથી ઓછી બોલમાં 2000 T20I રન પૂરા કરનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.ઈશાને માત્ર 1345 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં અભિષેક શર્મા 1024 બોલ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે સૂર્યકુમાર યાદવ 1164 બોલ સાથે બીજા સ્થાને છે.આ રીતે ઈશાન કિશન માટે વર્ષ 2026 ખૂબ જ યાદગાર બની રહ્યું છે. ટીમમાં વાપસી કર્યા બાદ તેણે સતત સારા પ્રદર્શનથી પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. હવે ભારતીય ટીમમાં તેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે.

આ પણ વાંચો - Mitchell Santner Record : ઈશ સોઢીનો રેકોર્ડ ધ્વસ્ત! મિચેલ સેન્ટનરે T20 ક્રિકેટમાં રચ્યો નવો ઇતિહાસ