ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ઇતિહાસ રચ્યો છે. તે ન્યૂઝીલેન્ડ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. આ સિદ્ધિ સાથે તેણે અનુભવી કીવી સ્પિનર ઈશ સોઢીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારત સામેની પાંચમી T20 મેચ સેન્ટરની કારકિર્દીની 143મી આંતરરાષ્ટ્રીય T20 મેચ છે.હેમિલ્ટનમાં રમાઈ રહેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ સેન્ટનર માટે ખાસ બની ગઈ છે, કારણ કે તેણે પોતાના દેશ માટે સૌથી વધુ T20I મેચ રમવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

મિચેલ સેન્ટનર બન્યા સૌથી વધુ T20I મેચ રમનાર કીવી ખેલાડી

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ હવે મિચેલ સેન્ટનરના નામે થઈ ગયો છે. તેણે અત્યાર સુધી 143 T20I મેચ રમી છે. આ પહેલાં આ રેકોર્ડ ઈશ સોઢીના નામે હતો, જેમણે ન્યૂઝીલેન્ડ માટે 142 મેચ રમી હતી.આ યાદીમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર ટિમ સાઉથી 126 મેચ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે પૂર્વ ઓપનર માર્ટિન ગપ્ટિલ 122 મેચ સાથે ચોથા ક્રમે છે. મિડલ ઓર્ડરના બેટ્સમેન ડેરિલ મિચેલ 109 મેચ સાથે પાંચમા સ્થાને છે.

ભારત સામે વિકેટ લેવાના મામલે પણ સેન્ટનરનો રેકોર્ડ

મિચેલ સેન્ટનરે ભારત સામેની ચોથી T20 મેચમાં પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે ભારત સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો.આ પહેલાં આ રેકોર્ડ ઈશ સોઢીના નામે હતો. તેણે ભારત સામે 30 વિકેટ ઝડપી હતી. જોકે, સેન્ટનરે આ આંકડો પાછળ છોડીને પોતાની વિકેટની સંખ્યા 32 સુધી પહોંચાડી દીધી છે.આ યાદીમાં ઇંગ્લેન્ડનો ક્રિસ જોર્ડન 24 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે જોફ્રા આર્ચર અને આદિલ રાશિદના નામે 22-22 વિકેટ છે. ચોથી T20 મેચમાં સેન્ટનરે શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

પાંચમી T20 માટે બંને ટીમોમાં ફેરફાર

શ્રેણીની અંતિમ મેચ માટે ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા હતા. ન્યૂઝીલેન્ડે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. ટીમે બ્લેર ટિકનરને અંતિમ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું.બીજી તરફ ભારતીય ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને સ્પિનર વરુણ ચક્રવર્તીને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે મયંક યાદવ અને અક્ષર પટેલને આ મેચમાં સ્થાન મળ્યું નહોતું.એક મેચ બહાર રહ્યા બાદ ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઈ હતી. હવે અંતિમ મેચમાં ભારતીય બોલિંગ આક્રમણ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ  વાંચો - Virat Kohliના સ્વભાવથી પ્રભાવિત થયો જેકબ ડફી, કરી મોટી વાત!