IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સમાં હાર્દિક પંડ્યાની એન્ટ્રી થતાં કેપ્ટનશિપને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન હાર્દિક હવે ₹18 કરોડની ફી સાથે પંજાબ કિંગ્સમાં જોડાયો છે.બીજી તરફ પંજાબનો ઝડપી બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો છે.આ ટ્રેડ બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું પંજાબ કિંગ્સ પોતાના હાલના કેપ્ટન શ્રેયસ અય્યરને હટાવીને હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપશે? હાર્દિક પાસે IPLમાં કેપ્ટન તરીકે ટ્રોફી જીતવાનો અનુભવ છે.પરંતુ શ્રેયસે પણ પોતાની કેપ્ટનશિપથી પંજાબને IPL 2025ની ફાઇનલ સુધી પહોંચાડ્યું હતું.તેથી આ નિર્ણય એટલો સરળ નહીં હોય.
હાર્દિક પંડ્યા કેમ બની શકે છે પંજાબનો કેપ્ટન?
હાર્દિક પંડ્યાની સૌથી મોટી તાકાત તેનો કેપ્ટનશિપનો અનુભવ છે.2022માં ગુજરાત ટાઇટન્સે IPLમાં પ્રવેશ કર્યો ત્યારે હાર્દિકને ટીમની કમાન સોંપવામાં આવી હતી.પોતાની પહેલી જ સીઝનમાં તેણે ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું.ત્યારબાદ 2023માં પણ ગુજરાત તેની કેપ્ટનશિપમાં ફાઇનલ સુધી પહોંચ્યું હતું.2024માં હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો ત્યારે તેને સીધો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.એટલે કે છેલ્લા કેટલાક વર્ષોથી તે IPLમાં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતો આવ્યો છે.હાર્દિકની બીજી મોટી ખાસિયત ઓલરાઉન્ડર તરીકેની તેની ક્ષમતા છે. તે મધ્યક્રમમાં આક્રમક બેટિંગ કરી શકે છે અને ઝડપી બોલિંગના વિકલ્પ તરીકે પણ ઉપયોગી છે. પંજાબને એક અનુભવી નેતા અને ઓલરાઉન્ડર તરીકે તેનો ફાયદો મળી શકે છે.
https://www.instagram.com/p/Dfl4AnnvYQ1/?utm_source=ig_web_copy_link&dlrf=NTc4MTIwNjQ2YQ==
શ્રેયસ અય્યરને કેમ નહીં હટાવે પંજાબ?
બીજી તરફ શ્રેયસ અય્યરની દાવેદારી પણ મજબૂત છે.તેની કેપ્ટનશિપમાં પંજાબ કિંગ્સે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલ સુધી પહોંચ્યું હતું.જોકે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.શ્રેયસ પાસે પણ IPL ટ્રોફી જીતવાનો અનુભવ છે. 2024માં તેણે કોલકાતા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવ્યું હતું.એટલે તેની પાસે માત્ર પંજાબ સાથેનો અનુભવ જ નહીં.પરંતુ બીજી ફ્રેન્ચાઇઝીને ખિતાબ અપાવવાનો રેકોર્ડ પણ છે.સૌથી મહત્ત્વની વાત એ છે કે પંજાબે શ્રેયસના નેતૃત્વમાં ટીમનું સારું સંયોજન તૈયાર કર્યું છે. એક સફળ સીઝન બાદ કેપ્ટન બદલવાનો નિર્ણય લેતાં પહેલાં ફ્રેન્ચાઇઝી તમામ પાસાં પર વિચાર કરશે.
હાર્દિકની કેપ્ટનશિપનો રેકોર્ડ શું કહે છે?
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી IPLમાં 162 મેચ રમી છે.આ મેચોની 150 ઇનિંગ્સમાં તેણે 27.87ની સરેરાશ અને 146.28ના સ્ટ્રાઇક રેટથી 2,955 રન બનાવ્યા છે.તેના નામે 10 અડધી સદી છે અને સર્વોચ્ચ સ્કોર 91 રન છે.બોલિંગમાં તેણે 116 ઇનિંગ્સમાં 82 વિકેટ ઝડપી છે.ગુજરાત ટાઇટન્સને પ્રથમ જ સીઝનમાં ચેમ્પિયન બનાવવાનો તેનો રેકોર્ડ તેની કેપ્ટનશિપની ક્ષમતા દર્શાવે છે.
આખરે કોના હાથમાં રહેશે પંજાબની કમાન?
હાર્દિક પંડ્યાના આગમનથી પંજાબ કિંગ્સને એક અનુભવી ઓલરાઉન્ડર મળ્યો છે.પરંતુ તેનો અર્થ એ નથી કે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ જોખમમાં જ છે.એક તરફ હાર્દિક પાસે ગુજરાતને ચેમ્પિયન બનાવવાનો અનુભવ છે.તો બીજી તરફ શ્રેયસે પંજાબને ફાઇનલ સુધી પહોંચાડ્યું છે અને KKRને પણ ખિતાબ અપાવ્યો છે.હાલના અહેવાલો મુજબ શ્રેયસ અય્યર જ પંજાબ કિંગ્સનો કેપ્ટન રહેવાની શક્યતા છે.હાર્દિકને ટીમમાં મહત્ત્વની ભૂમિકા મળી શકે છે,પરંતુ કેપ્ટનશિપ અંગે અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝી જ લેશે.IPL 2027 પહેલાં પંજાબની સત્તાવાર જાહેરાત પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો - Mumbai Indians Next Captain : હાર્દિકે છોડ્યો મુંબઈનો સાથ! હવે MIનો નવો કેપ્ટન કોણ? રેસમાં 4 મોટા નામ