ઇંગ્લેન્ડે શ્રીલંકા સામેની 3 મેચની T20I સિરીઝની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. 15 સપ્ટેમ્બરે સાઉથહેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20Iમાં યજમાન ટીમે શ્રીલંકાને 119 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડની આ મોટી જીતમાં કેપ્ટન હેરી બ્રૂકનું બેટ ખાસ ચમક્યું હતું. બ્રૂકે માત્ર 42 બોલમાં પોતાની સદી પૂરી કરી અને અંત સુધી અણનમ રહીને 49 બોલમાં 114 રનની તોફાની ઇનિંગ રમી હતી.બ્રૂકની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમની આ શાનદાર ઇનિંગના કારણે તેમણે T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે એક ખાસ સિદ્ધિ પણ પોતાના નામે કરી છે.
કેપ્ટન તરીકે એક વર્ષમાં 2 T20I સદી
હેરી બ્રૂકને હાલમાં ત્રણેય ફોર્મેટના પ્રતિભાશાળી બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. તેમની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે T20I ક્રિકેટમાં પણ સારો દેખાવ કર્યો છે.ભારત સામેની અગાઉની ઘરઆંગણે રમાયેલી T20I સિરીઝમાં ઇંગ્લેન્ડે બ્રૂકની કેપ્ટનશિપમાં 4-0થી જીત મેળવી હતી.હવે શ્રીલંકા સામેની સિરીઝમાં પણ બ્રૂકે બેટથી શાનદાર શરૂઆત કરી છે. 114 રનની અણનમ ઇનિંગ સાથે બ્રૂક T20I ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 2 સદી ફટકારનાર ફુલ મેમ્બર ટીમના પ્રથમ કેપ્ટન બન્યા છે.આ સાથે બ્રૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષ દરમિયાન કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના ખાસ રેકોર્ડમાં પણ પોતાનું નામ ઉમેર્યું છે.

