ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20I સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 15 સપ્ટેમ્બરે રમાયેલી બીજી T20Iમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર ખુશ જોવા મળ્યા હતા. મેચ બાદ તેમણે ટીમના પ્રદર્શન ઉપરાંત ત્રીજી T20Iમાં બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપવા અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.

શ્રેયસ ઐયરે ટીમના પ્રદર્શન પર શું કહ્યું?

બીજી T20Iમાં જીત બાદ શ્રેયસ ઐયરે કહ્યું કે ટીમ અગાઉની મેચ કરતાં વધુ મોટી જીત મેળવવા માંગતી હતી અને ખેલાડીઓએ મેદાન પર તેને સાબિત પણ કરી બતાવ્યું. તેમણે સ્વીકાર્યું કે શરૂઆતની કેટલીક સિરીઝમાં મળેલી હારને ભૂલવી સરળ નહોતી, પરંતુ ક્રિકેટમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે.શ્રેયસ અય્યરના મતે ખેલાડીઓ માટે પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવું ખૂબ મહત્વનું છે. પરિસ્થિતિને સમજીને રમવાથી ટીમ માટે વસ્તુઓ સરળ બની શકે છે.ભારતીય કેપ્ટને એ પણ સંકેત આપ્યો કે હવે ત્રીજી T20Iમાં એવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે, જેઓ પ્રથમ બે મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શક્યા નથી.તેમણે કહ્યું કે ત્રીજી મેચમાં ટીમના સંયોજનમાં થોડો ફેરફાર કરવાની તક છે. આ નિવેદન બાદ બાકીના ખેલાડીઓ માટે અંતિમ મેચમાં મેદાન પર ઉતરવાની આશા વધી છે.


વૈભવ સૂર્યવંશીને મળશે તક?

શ્રેયસ ઐયરના નિવેદન બાદ સૌથી વધુ ચર્ચા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને લઈને થઈ રહી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ બંને T20Iમાં વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. તે બંને મેચમાં બેન્ચ પર રહ્યો હતો.હવે સિરીઝમાં ભારતે 2-0ની અજેય લીડ મેળવી લીધી હોવાથી ત્રીજી મેચમાં ટીમ મેનેજમેન્ટ નવા ખેલાડીઓને અજમાવી શકે છે.આવી સ્થિતિમાં વૈભવ સૂર્યવંશીને T20I ક્રિકેટમાં તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

ત્રીજી T20Iમાં થશે ફેરફાર 

વૈભવ ઉપરાંત ઝડપી બોલર યશ ઠાકુર અને સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ પ્રથમ બે મેચમાં રમવાની તક મળી નથી. ત્રીજી મેચમાં આ ખેલાડીઓને તક મળે તો આગામી મહત્વની સ્પર્ધાઓ પહેલા તેમની રમત અને મેચની તૈયારીનું મૂલ્યાંકન કરવાની તક મળી શકે છે.ભારતીય ટીમ હવે સિરીઝની અંતિમ મેચ પણ જીતવા માટે મેદાનમાં ઉતરશે. બીજી તરફ અફઘાનિસ્તાન માટે આ મેચ સન્માન બચાવવાની તક રહેશે.ત્રીજી T20Iમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કેટલા ફેરફાર થાય છે અને વૈભવ સૂર્યવંશી સહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓમાંથી કોને તક મળે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો - Sanju Samsonનું છલકાયું દર્દ, વૈભવના સિલેક્શન પર કહી આ મોટી વાત