દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20I મેચમાં સંજુ સેમસને પોતાના બેટથી જોરદાર જવાબ આપ્યો.લાંબા સમયથી મોટી ઇનિંગની રાહ જોઈ રહેલા સંજુએ માત્ર 22 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ રમી અને ભારતની 7 વિકેટની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.મેચ બાદ સંજુએ પોતાની બેટિંગ ઉપરાંત ક્રિકેટમાં ચાલતી ચર્ચા,સોશિયલ મીડિયા પરની ટીકા અને વૈભવ સૂર્યવંશીના ટીમમાં સિલેક્શન અંગે પણ ખુલ્લેઆમ વાત કરી.

‘હું મશીન કે રોબોટ નથી’

સંજુ સેમસને સ્વીકાર્યું કે ક્રિકેટરો વિશે સતત થતી ચર્ચા અને ટીકા તેમના પર પણ અસર કરે છે.અનુભવને કારણે આવી પરિસ્થિતિનો સામનો કરવાનું તેમણે શીખી લીધું છે,પરંતુ તેઓ પણ એક સામાન્ય માણસ છે અને કેટલીક વાતો તેમને દુઃખ પહોંચાડે છે.સંજુએ બહારની ચર્ચાથી બચવા માટે Wi-Fi બંધ રાખવાની વાત કરી.જોકે, ક્યારેક Wi-Fi ચાલુ થઈ જાય છે અને કેટલીક કોમેન્ટ્સ નજરે પડી જાય છે. તેમના મતે કેટલાક સિનિયર ખેલાડીઓ તેમના વિશે સકારાત્મક વાત કરે છે તો કેટલાકની વાત નકારાત્મક પણ હોઈ શકે છે. આ દરેક વ્યક્તિની પસંદગી અને તે સમયની માનસિક સ્થિતિ પર આધાર રાખે છે.સંજુએ કહ્યું કે હવે અનુભવના કારણે તેઓ આવી બાબતોને સંભાળી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને ક્યારેય ખરાબ લાગતું નથી.

સંજુએ ટીકાકરોનો આપ્યો જવાબ 

ભારતમાં ક્રિકેટરો માટે સોશિયલ મીડિયા,ટીકા અને સતત થતી ચર્ચાઓથી સંપૂર્ણપણે દૂર રહેવું સરળ નથી.સંજુના મતે ખેલાડીએ પોતાના મનમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે કે તેણે કેવી રીતે તૈયારી કરવી છે અને મેદાન પર કેવી રીતે રમવાનું છે.તેમણે કહ્યું કે જો તેઓ બહારની વાતો પર ધ્યાન આપતા હોત તો આ રીતે બેટિંગ કરી શક્યા ન હોત. દરેક બોલ રમતા પહેલા તેઓ અનેક વખત વિચારતા અને ત્યારબાદ એક ખરાબ શોટ રમાયો હોત તો ફરીથી સોશિયલ મીડિયા પરની ચર્ચા શરૂ થઈ જાત.

વૈભવ સૂર્યવંશીના સિલેક્શન પર શું કહ્યું?

ભારતીય ટીમમાં ઓપનિંગ સ્થાન માટે સ્પર્ધા વચ્ચે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાના પ્રદર્શનથી મજબૂત દાવેદારી રજૂ કરી છે.વૈભવે આ સિઝનમાં આશરે 700થી 800 રન બનાવીને ધ્યાન ખેંચ્યું છે.સંજુએ પણ તેના પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતીય ટીમમાં વૈભવને તક મળવી સ્વાભાવિક હતી.સંજુના મતે 15 વર્ષના ખેલાડીએ આટલા રન બનાવ્યા હોય ત્યારે તેને ટીમમાં સામેલ કરવાની તક શોધવી ટીમ મેનેજમેન્ટ માટે સ્વાભાવિક નિર્ણય છે.સંજુએ એ પણ સ્વીકાર્યું કે અગાઉની 2-3 મેચમાં તેમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નહોતું, જ્યારે વૈભવ સારા ફોર્મમાં હતો. આવી સ્થિતિમાં ટીમને જીતાડવાની દૃષ્ટિએ વૈભવને તક આપવાનો નિર્ણય સમજાય તેવો હતો.

https://x.com/ImTanujSingh/status/2099917197049253949?s=20


ગૌતમ ગંભીર સાથે થઈ હતી વાતચીત

વૈભવને તક આપવા અંગે સંજુએ ટીમ મેનેજમેન્ટ સામે કોઈ ફરિયાદ કરી નથી. તેમણે કહ્યું કે પોતે પણ કેપ્ટન તરીકે ઘણી વખત મુશ્કેલ નિર્ણયો લઈ ચૂક્યા છે, તેથી આવા નિર્ણયો લેવા કેટલું મુશ્કેલ હોય છે તે તેઓ સારી રીતે સમજે છે.સંજુના મતે આવી સ્થિતિમાં સૌથી મહત્વની બાબત કમ્યુનિકેશન છે. તેમણે જણાવ્યું કે સિરીઝ દરમિયાન આ મુદ્દે ટીમની અંદર ઘણી ચર્ચા થઈ હતી. સિરીઝ શરૂ થાય તે પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પણ તેમની ઘણી વાતચીત થઈ હતી.

ટીમ માટે મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો 

સંજુએ ટીમના લીડરશિપ ગ્રુપની પણ પ્રશંસા કરી. તેમના મતે દરેકને પસંદ પડે તેવા નિર્ણય લેવા સરળ હોય છે, પરંતુ ટીમના હિતને ધ્યાનમાં રાખીને મુશ્કેલ નિર્ણય લેવો સરળ નથી.સંજુએ સ્પષ્ટ કર્યું કે ટીમ મેનેજમેન્ટે વ્યક્તિગત પસંદગી કરતાં ટીમના હિતને મહત્વ આપીને નિર્ણયો લીધા છે. તેમના મતે આવા મુશ્કેલ નિર્ણયો લેવા માટે લીડરશિપ ગ્રુપને શ્રેય મળવો જોઈએ.દિલ્હીમાં 57 રનની ઇનિંગ રમીને સંજુએ મેદાન પર પણ પોતાની ક્ષમતા બતાવી છે. હવે તેમની આ ઇનિંગ અને વૈભવ સૂર્યવંશીના સિલેક્શન અંગેની તેમની વાતચીત ભારતીય ટીમમાં ઓપનિંગ સ્થાનની સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે.

આ પણ વાંચો - Mohammad Nabiની ઐતિહાસક સિદ્ધિ, આ મામલે અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી બન્યો