ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની વનડે સીરિઝ ભલે પૂર્ણ થઈ ગઈ હોય,પરંતુ શ્રેણીની અંતિમ મેચને લઈને હવે ICCએ બંને ટીમો સામે કાર્યવાહી કરી છે.ન્યૂ ચંડીગઢમાં રમાયેલી ત્રીજી વનડેમાં સ્લો ઓવર રેટના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને પર દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે,બંને ટીમો પર લાગેલો દંડ અલગ-અલગ છે.ભારતીય ટીમ પર મેચ ફીના 20 ટકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર 10 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.

ત્રીજી વનડેમાં સ્લો ઓવર રેટનો મામલો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં રમાઈ હતી. આ મેચ નિર્ધારિત સમય કરતાં ઘણાં મોડા પૂરી થઈ હતી.મેચ દરમિયાન ભારતીય ટીમ જ્યારે બોલિંગ કરી રહી હતી ત્યારે મેદાની અમ્પાયરોએ ભારતીય કેપ્ટન શુભમન ગિલને સ્લો ઓવર રેટ અંગે ઘણી વખત સૂચના આપી હતી. તેમ છતાં ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં પોતાના ઓવર પૂરા કરી શકી નહોતી.ICCની તપાસ બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંનેને સ્લો ઓવર રેટના નિયમના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

https://x.com/ICC/status/2107004127524126853?s=20

ભારતના 4 અને વેસ્ટ ઈન્ડિઝના 2 ઓવર ઓછા

ICCના જણાવ્યા અનુસાર, સમયની મંજૂર છૂટને ધ્યાનમાં લીધા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ નિર્ધારિત સમય કરતાં 2 ઓવર પાછળ રહી હતી.ત્યારબાદ જ્યારે ભારતીય ટીમ બોલિંગ કરવા આવી ત્યારે તે નિર્ધારિત સમય કરતાં 4 ઓવર પાછળ હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે મેચ રેફરી પ્રકાશ ભટ્ટે ICCના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેના આચારસંહિતાના આર્ટિકલ 2.22 હેઠળ કાર્યવાહી કરી હતી.

શુભમન ગિલ અને શે હોપે દંડ સ્વીકાર્યો

આ નિયમ અનુસાર, જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં પોતાના ઓવર પૂરા કરતી નથી, તો દરેક ઓવર માટે મેચ ફીના 5 ટકા દંડની જોગવાઈ છે.ભારત તરફથી મેદાની અમ્પાયર જયરામન મદનગોપાલ અને સેમ નોગાજ્સ્કી,ત્રીજા અમ્પાયર શરફુદ્દૌલા અને ચોથા અમ્પાયર વીરેન્‍દ્ર શર્માએ આ મામલો નોંધ્યો હતો.ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શે હોપે પોતપોતાની ટીમ પર લગાવવામાં આવેલા દંડને સ્વીકારી લીધો છે. તેથી હવે આ મામલે અલગથી સુનાવણી કરવાની જરૂર રહેશે નહીં.

351 રન બનાવ્યા છતાં ભારત હાર્યું

ત્રીજી વનડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 351 રન બનાવ્યા હતા. ભારતના આ મોટા સ્કોર બાદ ટીમ મેચ જીતી જશે તેવી અપેક્ષા હતી.જોકે,વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગ કરીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે માત્ર 48.2 ઓવરમાં 5 વિકેટે 352 રન બનાવીને મેચ જીતી હતી.વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શે હોપે 143 બોલમાં અણનમ 162 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમની આ વિસ્ફોટક ઇનિંગ્સે વેસ્ટ ઈન્ડિઝને ભારત સામે યાદગાર જીત અપાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.જોકે ભારતે શરૂઆતની બંને વનડે જીતીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી, પરંતુ અંતિમ મેચમાં સ્લો ઓવર રેટના કારણે બંને ટીમોને ICCની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો - IND vs WI 1st T20I : વૈભવ સૂર્યવંશી કે સંજુ સેમસન, કોનું કપાશે પત્તું? શ્રેયસ ઐયર સામે મોટો પડકાર