ક્રિકેટને દુનિયાના નવા વિસ્તારોમાં લઈ જવાની ICCની યોજનામાં હવે ચીન મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ICCના CEO સંજોગ ગુપ્તાએ કહ્યું છે કે ચીનમાં ક્રિકેટને આગળ વધારવા માટે વર્લ્ડ બોડી ચાઈનીઝ ક્રિકેટ એસોસિએશન સાથે મળીને કામ કરી રહી છે. ચીનમાં સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવા ઉપરાંત ટૂંક સમયમાં Tier-2 ક્રિકેટ ઈવેન્ટ યોજવાની પણ તૈયારી છે.

1.4 અબજ લોકોના દેશમાં ક્રિકેટનું મોટું માર્કેટ

ICC માટે ચીન માત્ર ખેલાડીઓ તૈયાર કરવાનો દેશ નથી, પરંતુ ક્રિકેટ માટે મોટું નવું ફેન માર્કેટ બની શકે છે. હાલ દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં લગભગ 90% લોકો દક્ષિણ એશિયામાં છે. ICC હવે પોતાના વૈશ્વિક ફેન બેઝમાં 500 મિલિયન નવા ચાહકો ઉમેરવા માંગે છે અને ચીનની લગભગ 1.4 અબજની વસ્તીને આ માટે મોટી તક તરીકે જોઈ રહી છે. સંજોગ ગુપ્તાએ જણાવ્યું કે તેઓ ICCમાં જોડાયા બાદ ચીનમાં 10 દિવસ રહ્યા હતા. ત્યાં તેમને આશ્ચર્ય થયું કે દેશના કેટલાક પ્રાંતોમાં ક્રિકેટનું અસ્તિત્વ તેમની ધારણા કરતાં વધુ મજબૂત છે. શાનડોંગ અને તિયાનજિન જેવા પ્રાંતોની સ્કૂલોમાં પણ ક્રિકેટના કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી છે.

ICC એકેડમી જેવી સુવિધા બનાવાશે

ચાઈનીઝ ક્રિકેટ એસોસિએશન ICCની મદદથી UAEની ICC એકેડમી જેવી સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માંગે છે. અહીં ખેલાડીઓના વિકાસ, કોચિંગ અને હાઈ-પરફોર્મન્સ પ્રોગ્રામ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ICCનું માનવું છે કે આવી સુવિધાથી ચીનની સરકાર અને સ્થાનિક સ્પોર્ટ્સ સંસ્થાઓનું પણ ક્રિકેટ તરફ ધ્યાન વધી શકે છે. ચીનના 22માંથી 9 પ્રાંતોમાં હાલમાં ક્રિકેટની હાજરી છે અને ICC આ સંખ્યા વધારવા માંગે છે.

મહિલા ક્રિકેટ પર ખાસ ફોકસ

ચીનમાં ક્રિકેટના વિકાસ માટે મહિલા ક્રિકેટને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ચાઈનીઝ ક્રિકેટ એસોસિએશન પોતાના તમામ કાર્યક્રમોમાં 50% મહિલા ભાગીદારીની નીતિ પર કામ કરી રહ્યું છે. ICCનું માનવું છે કે ચીનમાં મહિલા ક્રિકેટને આગળ વધારવાથી સ્થાનિક સ્તરે ખેલાડીઓ તૈયાર કરવાની સાથે નવા ચાહકો પણ જોડાઈ શકે છે. ચીનની મહિલા ટીમે છેલ્લા 2 વર્ષમાં પોતાની રેન્કિંગમાં 10 સ્થાનનો સુધારો કર્યો છે.

1500 દર્શકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ પણ તૈયાર

ચીનમાં ક્રિકેટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે. તાઈચાંગમાં 1500 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ શરૂ થઈ ચૂક્યું છે. ચીન પાસે હવે 3 ટોપ-લેવલ ક્રિકેટ વેન્યુ છે. ICC હવે ચાઈનીઝ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી ચીનમાં Tier-2 ઈવેન્ટ યોજવા માંગે છે. ICCના જણાવ્યા મુજબ આવી ઈવેન્ટથી સરકારનું ધ્યાન ક્રિકેટ તરફ ખેંચવામાં અને સ્થાનિક ક્રિકેટને વધુ મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે.

ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસીથી ચીનને ફાયદો

2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી પણ ICCની ચીનની યોજનામાં મહત્વની છે. 128 વર્ષ બાદ ક્રિકેટ ફરી ઓલિમ્પિક્સમાં રમાશે. ICCનું માનવું છે કે ઓલિમ્પિક્સમાં સામેલ થવાથી એવા દેશોમાં પણ ક્રિકેટને વધુ મહત્વ મળશે જ્યાં અત્યાર સુધી આ રમત મુખ્ય પ્રવાહમાં નથી.

ચીનમાં 2026 મેન્સ T20 વર્લ્ડ કપની છેલ્લી સપ્તાહની મેચોના ચાઈનીઝ પ્લેટફોર્મ પર 44 લાખ વીડિયો વ્યૂઝ મળ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં ICCએ ચાઈનીઝ ક્રિકેટ એસોસિએશનને 15 લાખ અમેરિકન ડોલરથી વધુનું ફંડ આપ્યું છે. એટલે હવે ICC ચીનમાં ક્રિકેટ માટે વધુ લાંબા ગાળાનો પ્લાન તૈયાર કરી રહ્યું છે.

આ પણ વાંચો: Nana Patekar: નાના પાટેકરના નિધનથી ક્રિકેટ જગતમાં શોક, કોહલી-સચિન સહિત દિગ્ગજોએ વ્યક્ત કર્યું દુઃખ