ભારતીય ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને ન્યૂઝીલેન્ડ સામે વિકેટ લીધા બાદ આક્રમક ઉજવણી કરવી ભારે પડી છે. ટિમ સેફર્ટને આઉટ કર્યા બાદ તેને જે રીતે વિદાય આપી હતી, તેને ICCએ આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે. ICCએ બ્રારને સત્તાવાર ફટકાર લગાવવાની સાથે એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો છે. આ 24 મહિનામાં તેનો બીજો ગુનો હોવાથી હવે તેના ખાતામાં કુલ બે ડિમેરિટ પોઇન્ટ થઈ ગયા છે.

સેફર્ટને આઉટ કર્યા બાદ શું થયું હતું?

આ ઘટના 13 નવેમ્બરે ન્યૂઝીલેન્ડના માઉન્ટ મૌનગાનુઈમાં રમાયેલી ચોથી ODIની છે. મેચમાં 12મી ઓવરના અંતિમ બોલ પર ગુરનૂર બ્રારે ન્યૂઝીલેન્ડના ઓપનર ટિમ સેફર્ટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સેફર્ટનો કેચ વિકેટકીપર ઈશાન કિશને પકડ્યો હતો. વિકેટ મળ્યા બાદ બ્રારે આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી. તે સેફર્ટની સામે જઈને ઊભો રહ્યો હતો અને બંને વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હતી. આ ઘટનામાં વિરાટ કોહલી વચ્ચે પડીને બ્રારને ત્યાંથી દૂર લઈ જતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ICCના જણાવ્યા અનુસાર, બ્રારની ઉજવણી બેટરને અપમાનિત કરતી હોય તેવું લાગી શકે તેમ હતું. આ પ્રકારનું વર્તન સામેના ખેલાડી તરફથી પણ આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરી શકે છે.

ICCના કયા નિયમનો ભંગ કર્યો?

ICCએ ગુરનૂર બ્રારને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની આચારસંહિતાના આર્ટિકલ 2.5 હેઠળ દોષી ગણાવ્યો છે. આ નિયમ મુજબ, કોઈ બેટર આઉટ થાય ત્યારે તેની સામે અપમાનજનક ભાષા, હાવભાવ કે એવી હરકત કરવી નહીં, જેનાથી તેની આક્રમક પ્રતિક્રિયા ભડકી શકે. બ્રારે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને મેચ રેફરી રંજન મદુગલે દ્વારા સૂચવવામાં આવેલી સજા પણ સ્વીકારી હતી. આથી આ મામલે ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી.

24 મહિનામાં બીજી ભૂલ, હવે શું થશે?

આ ગુરનૂર બ્રારનો છેલ્લા 24 મહિનામાં આચારસંહિતાનો બીજો ભંગ છે. આ તાજા કેસમાં તેને એક ડિમેરિટ પોઇન્ટ મળતાં તેના કુલ પોઇન્ટ બે થઈ ગયા છે. ICCના નિયમ પ્રમાણે, લેવલ-1ના ભંગ બદલ સત્તાવાર ફટકારથી લઈને ખેલાડીની મેચ ફીના મહત્તમ 50 ટકા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત એક કે બે ડિમેરિટ પોઇન્ટ પણ આપી શકાય છે. ખેલાડીના ખાતામાં 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઇન્ટ થાય તો તે સસ્પેન્શન પોઇન્ટમાં ફેરવાય છે. બે સસ્પેન્શન પોઇન્ટ મળવા પર ખેલાડીને એક ટેસ્ટ અથવા બે ODI અથવા બે T20Iમાંથી, જે પહેલાં આવે તેમાંથી પ્રતિબંધિત કરવામાં આવે છે.

હાલ બ્રારના ખાતામાં બે ડિમેરિટ પોઇન્ટ છે. એટલે હવે આગામી સમયમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન થાય તો તેની મુશ્કેલી વધી શકે છે.

આ પણ વાંચો: MS Dhoni: 'ફેન્સે મને ખોટો સાબિત કર્યો...' IPLમાંથી નિવૃત્તિ બાદ ધોનીની પહેલી પોસ્ટ, 'પલ દો પલ કા શાયર' ગીતથી ચાહકો ભાવુક