આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતીને રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ આઠમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ બાંગ્લાદેશને મોટું નુકસાન થયું છે અને ટીમ છઠ્ઠા સ્થાનેથી આઠમા સ્થાને સરકી ગઈ છે. આ બદલાવ વચ્ચે ભારતીય ક્રિકેટ ચાહકો માટે પણ મહત્વના સમાચાર છે. ICCની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ સ્થાન પર યથાવત છે. ઓસ્ટ્રેલિયા બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે.

વેસ્ટ ઈન્ડિઝે 2-0 નહીં, 1-0થી જીતી શ્રેણી

વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી પોતાના નામે કરી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતાં 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં જોશેલ વૉરિકને કુલ 9 વિકેટ ઝડપી હતી, જેના કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ સિલહટમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.

તૌહીદ હૃદોયને પ્લેયર ઓફ ધ મેચ જાહેર

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 386 રન બનાવી 30 રનની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝે બીજા દાવમાં 398 રન બનાવી દાવ જાહેર કર્યો હતો અને બાંગ્લાદેશ સામે 369 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે, બાંગ્લાદેશની ટીમ 4 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી હતી. આ મેચ ડ્રો થતાં વેસ્ટ ઈન્ડિઝે શ્રેણી 1-0થી જીતી લીધી હતી.બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના તૌહીદ હૃદોયને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે શ્રેણીમાં શાનદાર બોલિંગ કરનારા જોશેલ વૉરિકને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો.

Gujarati ICC Test Rankings Top 8

ટેસ્ટ રેન્કિંગમાં વેસ્ટ ઈન્ડિઝને મોટો ફાયદો

બાંગ્લાદેશ સામેની શ્રેણી જીતનો સીધો ફાયદો વેસ્ટ ઈન્ડિઝને ICC ટેસ્ટ રેન્કિંગમાં થયો છે. ટીમ બે સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ બાંગ્લાદેશ બે સ્થાન નીચે સરકીને આઠમા સ્થાને પહોંચી ગયું છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત કયા સ્થાને?

ભારતીય ટીમ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. ટીમ ઈન્ડિયાના 3042 પોઈન્ટ્સ અને 105ની રેટિંગ છે. ટોપ-3માં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી પર રહેશે નજર

આગામી સમયમાં ભારતીય ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી ખૂબ મહત્વની રહેશે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે.ટીમ ઈન્ડિયાએ આ ચક્રમાં અત્યાર સુધી 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 5માં જીત મેળવી છે, 4માં હારનો સામનો કર્યો છે અને 2 મેચ ડ્રો રહી છે.

WTC પોઈન્ટ્સ ટેબલમાં ભારત ચોથા સ્થાને

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની પોઈન્ટ્સ ટેબલમાં પણ ભારતીય ટીમ ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ પ્રથમ, દક્ષિણ આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે.આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી ભારત માટે ખૂબ જ નિર્ણાયક બની શકે છે. જો ભારતીય ટીમ આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે તો WTCની પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી શકશે.

આ પણ વાંચો - Ball Tampering Controversy : સેન્ડપેપર ગેટનું રહસ્ય ફરી ખુલશે? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ લીધો મોટો નિર્ણય