ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ ગણાતો 2018નો બૉલ ટેમ્પરિંગ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ આ મામલે એવો ખુલાસો કર્યો છે કે ક્રિકેટ જગતમાં ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખ્વાજાના દાવા પ્રમાણે, બૉલ ટેમ્પરિંગની ઘટનાની જાણ માત્ર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટને જ નહોતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમના અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પણ આ અંગે જાણ હતી.

ખ્વાજાના દાવા બાદ સવાલ ઊભા થયા 

ખ્વાજાના આ દાવા બાદ સવાલ ઊભો થયો હતો કે શું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 8 વર્ષ જૂના આ વિવાદની ફરી તપાસ કરશે? જોકે, હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે સ્પષ્ટ કર્યું છે કે 2018ના બૉલ ટેમ્પરિંગ કેસની ફરી તપાસ કરવામાં આવશે નહીં. એટલે કે ખ્વાજાના નવા દાવા છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જૂના કેસને ફરી ખોલવાના મૂડમાં નથી.

2018માં શું થયું હતું? જાણો સમગ્ર બૉલ ટેમ્પરિંગ વિવાદ

વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાનમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન ટીવી કેમેરામાં ઓસ્ટ્રેલિયાનો બેટર કેમેરોન બેનક્રોફ્ટ બોલ સાથે ચેડાં કરતો જોવા મળ્યો હતો. બેનક્રોફ્ટે બોલની સપાટી ખરબચડી કરવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કર્યો હતો, જેથી બોલને રિવર્સ સ્વિંગ મેળવવામાં મદદ મળે.આ ઘટનાને ક્રિકેટ જગતમાં 'સેન્ડપેપર ગેટ' તરીકે ઓળખવામાં આવે છે. ઘટનાનો વીડિયો સામે આવતાં જ ભારે હોબાળો મચ્યો હતો

ઉસ્માન ખ્વાજાનો મોટો દાવો શું છે?

ઉસ્માન ખ્વાજાએ તાજેતરમાં 2018ના બૉલ ટેમ્પરિંગ કેસ અંગે મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર ઘટના માત્ર ત્રીજી ટેસ્ટ સુધી મર્યાદિત નહોતી. ખ્વાજાનો દાવો છે કે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ એટલે કે પોર્ટ એલિઝાબેથ ટેસ્ટથી જ બોલ સાથે ચેડાં શરૂ થઈ ગયાં હતાં.આટલું જ નહીં, ખ્વાજાના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયન ટીમના લગભગ તમામ સભ્યોને આ અંગે જાણ હતી. તેમાં ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફનો પણ સમાવેશ થતો હતો.ખ્વાજાના આ નિવેદનથી ફરી એકવાર જૂના વિવાદમાં નવા સવાલો ઊભા થયા છે. જો આ દાવો સાચો હોય તો 2018માં થયેલી તપાસની વ્યાપકતા અંગે પણ સવાલ થઈ શકે છે.

ડેવિડ વોર્નરે પણ ખ્વાજાના દાવાને આપ્યું સમર્થન

ખ્વાજાના નિવેદન બાદ આ વિવાદમાં ડેવિડ વોર્નરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તે સમયે બૉલ ટેમ્પરિંગ કેસમાં સજા ભોગવનારા વોર્નરે ખ્વાજાના દાવાને 100 ટકા સાચો ગણાવ્યો છે.બીજી તરફ, તે સમયના ઓસ્ટ્રેલિયન મુખ્ય કોચ ડેરેન લેહમેને ખ્વાજાના દાવાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.વોર્નરના સમર્થન બાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસ્થા આ જૂના કેસની ફરી તપાસ કરવા માગતી નથી.આમ, ઉસ્માન ખ્વાજાના નવા દાવા અને ડેવિડ વોર્નરના સમર્થનથી 2018નો બૉલ ટેમ્પરિંગ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હાલ પૂરતું આ મામલે તપાસના દરવાજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - BCCIનો મોટો નિર્ણય! ટેસ્ટ, વનડે અને T20માં સ્મૃતિ મંધાનાના હાથમાં કમાન