એશિયન ગેમ્સ 2026માં શાનદાર બેટિંગ કરનાર ભારતીય ક્રિકેટર શેફાલી વર્માને ICC મહિલા T20I રેન્કિંગમાં મોટી છલાંગનો ફાયદો થયો છે. બાંગ્લાદેશ સામે સેમિફાઇનલમાં સદી ફટકારનાર શેફાલી તાજી રેન્કિંગમાં 2 સ્થાન આગળ વધીને બેટર્સની ટોપ-10માં ચોથા ક્રમે પહોંચી ગઈ છે. બીજી તરફ ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને 1 સ્થાનનું નુકસાન થયું છે.

શેફાલીને શાનદાર પ્રદર્શનનો ફાયદો

એશિયન ગેમ્સમાં શેફાલી વર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિસિનમાં બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલમાં તેણે અણનમ 100 રનની ઇનિંગ રમી હતી. આ તેની T20I કારકિર્દીની પ્રથમ સદી હતી.આ પહેલાં જાપાન સામે ભારતની જીતમાં પણ શેફાલીએ અણનમ 40 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનના કારણે હવે તે ICC મહિલા T20I બેટિંગ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી છે.

સ્મૃતિ મંધાના છઠ્ઠા સ્થાને

શેફાલીની રેન્કિંગમાં સુધારો થયો છે, જ્યારે સ્મૃતિ મંધાનાને 1 સ્થાનનું નુકસાન થયું છે. તે હવે છઠ્ઠા ક્રમે છે. હેલી મેથ્યુઝ પણ 1 સ્થાન નીચે સરકીને પાંચમા ક્રમે પહોંચી છે.ટોપ-10 મહિલા T20I બેટર્સમાં ભારતની 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી અને તે 10મા ક્રમે યથાવત છે.

https://x.com/ICC/status/2102330147835945333?s=20

શ્રી ચરણીએ નંબર-1 સ્થાન જાળવી રાખ્યું

મહિલા T20I બોલિંગ રેન્કિંગમાં ભારતીય બોલર શ્રી ચરણીનું નંબર-1 સ્થાન યથાવત છે. તેના નામે 799 રેટિંગ પોઈન્ટ છે. દીપ્તિ શર્મા 70 પોઈન્ટના અંતર સાથે બીજા ક્રમે છે.ટોપ-10 બોલર્સમાં ભારતની આ બંને ખેલાડીઓનો સમાવેશ થાય છે. ત્રીજા સ્થાનથી છઠ્ઠા સ્થાન સુધી ઈંગ્લેન્ડના બોલર્સનો દબદબો છે. સોફી એક્લેસ્ટોન ત્રીજા, ચાર્લી ડીન ચોથા, લૉરેન બેલ પાંચમા અને લિન્ડસે સ્મિથ છઠ્ઠા ક્રમે છે.નૉનકુલુલેકો મલાબાને 1 સ્થાનનું નુકસાન થયું છે અને તે સાતમા ક્રમે પહોંચી છે.

ક્રાંતિ ગૌડ અને નંદની શર્માને પણ ફાયદો

એશિયન ગેમ્સમાં સારા પ્રદર્શનનો ફાયદો ભારતની ક્રાંતિ ગૌડ અને નંદની શર્માને પણ મળ્યો છે. ક્રાંતિએ 15 સ્થાનની છલાંગ લગાવીને 57મું સ્થાન મેળવ્યું છે. તેના 461 રેટિંગ પોઈન્ટ છે.નંદની શર્માએ 22 સ્થાનનો સુધારો કરીને 72મું સ્થાન મેળવ્યું છે. તેના 432 રેટિંગ પોઈન્ટ છે. બંને ખેલાડીઓએ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પણ હાંસલ કરી છે.

આ પણ વાંચો - ENGLAND: ઈજાઓ સામે લાંબી લડાઈ બાદ 36 વર્ષની ઉંમરે માર્ક વૂડે લીધો સંન્યાસ