પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજોએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતના સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને દિલીપ વેંગસરકર સહિત 9 દેશોના 21 પૂર્વ ઈન્ટરનેશનલ કેપ્ટને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખીને ઈમરાન ખાનને યોગ્ય અને માનવીય તબીબી સારવાર આપવાની અપીલ કરી છે.
પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાન સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી
આ અપીલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલની આગેવાનીમાં કરવામાં આવી છે. પૂર્વ કેપ્ટનોએ સ્પષ્ટ કર્યું છે કે આ પત્ર રાજકીય હેતુથી નહીં, પરંતુ જૂના ક્રિકેટ સાથી તરીકે લખવામાં આવ્યો છે. ઈમરાન ખાન છેલ્લા 3 વર્ષથી જેલમાં છે અને તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી છે.
પૂર્વ કેપ્ટને પાકિસ્તાન સરકાર સમક્ષ 3 મુખ્ય માગણીઓ રજૂ કરી છે. પ્રથમ, સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ સ્વતંત્ર મેડિકલ બોર્ડ દ્વારા ઈમરાન ખાનની સંપૂર્ણ તબીબી તપાસ કરવામાં આવે અને તેમાં તેમના પોતાના ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવે. ખાસ કરીને તેમની જમણી આંખની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાને ગંભીરતાથી તપાસવાની માગ કરવામાં આવી છે.

પરિવારને મળવા માટે મંજૂરી આપવામાં આવે
બીજી માગ મુજબ તપાસ બાદ ડોક્ટરો જે સારવાર સૂચવે તે કોઈ વિલંબ વિના ઉપલબ્ધ કરાવવામાં આવે. ત્રીજી માગમાં ઈમરાન ખાનના પરિવારને કોર્ટના આદેશ અનુસાર દર અઠવાડિયે તેમને મળવાની મંજૂરી આપવાની વાત કરવામાં આવી છે.
આ પત્રમાં ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર, ગ્રેગ ચેપલ અને ઈયાન ચેપલ, ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂક અને નાસિર હુસૈન તથા વેસ્ટ ઈન્ડિઝના ક્લાઈવ લોયડ જેવા દિગ્ગજોના પણ હસ્તાક્ષર છે.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન