શ્રીલંકાની ધરતી પર આજથી ભારત A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A ની ટીમો વચ્ચે ત્રિ-રાષ્ટ્રીય વન-ડે શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મંગળવારે રમાઈ રહેલી શ્રેણીની આ પ્રથમ મેચમાં ભારત A અને શ્રીલંકા A ની ટીમો આમને-સામને છે. દામ્બુલાના મેદાન પર ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૭૭ રનનો મજબૂત સ્કોર બનાવ્યો છે. શ્રીલંકા A ને જીતવા માટે હવે ૨૭૮ રનનો લક્ષ્યાંક મળ્યો છે.
ભારતે ટોસ જીતી લીધી બેટિંગ, શરૂઆત નબળી
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારત A ની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. તાજેતરમાં જ ભારતની સિનિયર ટીમમાં સ્થાન મેળવનાર અને IPL 2026 માં ધમાલ મચાવનાર ૧૫ વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આ મેચથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે ખાસ કમાલ કરી શક્યો નહીં. વૈભવ ૧૨ બોલમાં ૩ ચોગ્ગાની મદદથી માત્ર ૧૪ રન બનાવી આઉટ થયો હતો. તેના સિવાય પ્રભસિમરન સિંહ પણ માત્ર ૨ રન (૧૧ બોલ) બનાવીને સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. પ્રિયાંશ આર્ય ૩૨ બોલમાં ૩૨ રન બનાવીને રન આઉટ થયો હતો. ભારતે માત્ર ૬૯ રનમાં પોતાની ૩ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી.
ગાયકવાડ-તિલકની 150 રનની મેરેથોન ભાગીદારી
શરૂઆતના ઝટકા બાદ સુકાની ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ ભારતીય ઇનિંગને ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળી હતી. ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા ૧૧૪ બોલમાં ૧૦૧ રનની કેપ્ટન ઇનિંગ રમી હતી, જેમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સામેલ હતા. તેણે તિલક વર્મા સાથે ચોથી વિકેટ માટે ૧૫૦ રનની મોટી ભાગીદારી નોંધાવી હતી. તિલક વર્માએ પણ ગાયકવાડને સારો સાથ આપ્યો અને ૯૭ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૯ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
અંતિમ ઓવરોમાં બદોની અને શેડગેનું શાનદાર પ્રદર્શન
મધ્યમ ક્રમમાં આયુષ બદોનીએ ૧૮ બોલમાં ઝડપી ૨૪ રન ફટકાર્યા હતા. તેણે સૂર્યાંશ શેડગે સાથે છઠ્ઠી વિકેટ માટે ૪૬ રન જોડ્યા હતા. સૂર્યાંશ શેડગેએ અંતમાં તોફાની બેટિંગ કરતા ૧૪ બોલમાં અણનમ ૨૬ રન બનાવ્યા હતા, જ્યારે અનુકુલ રોય ૧ રને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી છેલ્લી ઓવર ફેંકવા આવેલા ગરુકા સંકેથે ૧૦ રન આપ્યા હતા (જેમાં ૩ વાઈડ બોલ હતા) અને આયુષ બદોનીને આઉટ કર્યો હતો.
શ્રીલંકાના બોલર્સનું પ્રદર્શન
શ્રીલંકા A તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શિરાઝે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય ચામિકા કરુણારત્ને, વાનુજા સહાન અને ગરુકા સંકેતને એક-એક સફળતા મળી હતી.
ભારત એ વિરુદ્ધ શ્રીલંકા એ લાઈવ: બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ઈન્ડિયા એ પ્લેઈંગ ઈલેવન: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, અનુકુલ રોય, સૂર્યાંશ શેડગે, અંશુલ કંબોજ, અરશદ ખાન, વિપ્રરાજ નિગમ.
શ્રીલંકા એ પ્લેઈંગ ઈલેવન: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, સહન અરાચિગે (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, રવિન્દુ ફર્નાન્ડો, વનુજા સહન, વિજયકાંત વ્યાસકાન્ત, મોહમ્મદ શિરાઝ, વિજયકાંત વ્યાસ.
આ પણ વાંચો : T20 World Cup controversy: પાકિસ્તાનમાં રમી શકીએ તો ભારતમાં કેમ નહી.. કેપ્ટન લિટન દાસના બાંગ્લાદેશ સરકાર પર પ્રહાર