ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી ટી20 સીરિઝની શરૂઆત થવાની છે.આ સીરિઝ અનેક કારણોસર ખાસ છે.પ્રથમ વખત ભારતીય ટીમ પોતાના જ દેશમાં યજમાન નહીં પરંતુ મહેમાન ટીમ તરીકે રમતી જોવા મળશે.દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ શ્રેણીનું આયોજન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જોકે,સીરિઝ શરૂ થાય તે પહેલાં જ એક બાબતને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.

સોશિયલ મીડિયા વીડિયો શેર કર્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારાસીરિઝના પ્રચાર માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ભારત અને અફઘાનિસ્તાનની સંસ્કૃતિ, વારસો, વિશેષતાઓ અને ઐતિહાસિક શહેરોની ઝલક રજૂ કરવામાં આવી છે. પરંતુ વીડિયોના અંતિમ ભાગમાં દર્શાવવામાં આવેલા ભારતના નકશાને લઈને ભારતીય ચાહકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

વીડિયોમાં ભારતનો નકશો બદલાયેલો જોવા મળ્યો

પ્રચારાત્મક વીડિયોમાં શરૂઆતમાં ભારતનો સંપૂર્ણ નકશો દર્શાવવામાં આવે છે. આ નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.જોકે,ત્યારબાદ માત્ર થોડા જ સમયમાં ફરી ભારતનો નકશો બતાવવામાં આવે છે,જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના વિસ્તારને અલગ રીતે દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.આ બાબત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.ભારતીય ચાહકોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ દેશના નકશાને રજૂ કરતી વખતે સત્તાવાર અને યોગ્ય નકશો દર્શાવવો જોઈએ.અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના આ વીડિયોમાં એક જ ક્રમમાં ભારતનો નકશો અલગ અલગ રીતે દર્શાવવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.વીડિયોના શરૂઆતના ભાગમાં પણ ભારતના નકશાને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એમ અલગ વિસ્તારો સાથે રજૂ કરવામાં આવ્યો હોવાનું ચાહકોનું ધ્યાન ગયું છે. આ કારણે ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે નારાજગી જોવા મળી રહી છે.

https://x.com/ACBofficials/status/2096561309596737915?s=20

વીડિયો દૂર કરવાની માંગ

વીડિયો સામે આવ્યા બાદ ભારતીય ચાહકોએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.ઘણા ચાહકોએ આ નકશામાં સુધારો કરવાની અને પોસ્ટ દૂર કરવાની માંગ કરી છે.ચાહકોના મતે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો સારા રહ્યા છે અને બંને દેશોની ટીમો વચ્ચેની શ્રેણીને રમતની ભાવના સાથે જોવી જોઈએ.આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની ભૂલ અથવા વિવાદાસ્પદ રજૂઆતથી બિનજરૂરી વિવાદ ઊભો થઈ શકે છે.સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે વીડિયો સામે આવ્યા બાદ પણ 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને દૂર કર્યો નથી. હવે નજર એ વાત પર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મુદ્દો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સમક્ષ ઉઠાવે છે કે નહીં.ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટી20 શ્રેણી 13 સપ્ટેમ્બરથી દિલ્હીમાં શરૂ થશે. શ્રેણી પહેલાં ઊભા થયેલા આ વિવાદને કારણે હવે બંને દેશોના ક્રિકેટ ચાહકોની નજર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના આગામી પગલા પર રહેશે.

આ પણ વાંચો- મોહાલીમાં જીત બાદ શુભમન ગિલનો શાહી અંદાજ, 3.55 કરોડની મર્સિડીઝમાં 'રાજાશાહી' ઠાઠનો VIDEO વાયરલ