દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી 3 મેચની T20I શ્રેણીની અંતિમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. અભિષેક શર્માની તોફાની સદી બાદ ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 221/7નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાનની સૌથી મોટી હાર
127 રનની હાર અફઘાનિસ્તાન માટે T20I ક્રિકેટમાં સૌથી મોટી હાર બની છે. આ પહેલાં અફઘાન ટીમને 2012માં ઇંગ્લેન્ડ સામે 116 રને હાર મળી હતી. હવે ભારત સામે મળેલી હારે તેનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.આ જીત સાથે ભારતે T20I ક્રિકેટમાં વધુ એક ખાસ સિદ્ધિ મેળવી છે. ભારતની આ ફોર્મેટમાં 100 કે તેથી વધુ રનની જીતની સંખ્યા હવે 10 થઈ ગઈ છે. આ સાથે ભારતે આંકડાની દૃષ્ટિએ કેનેડાની બરાબરી કરી છે. બંને ટીમોએ T20Iમાં 100 કે તેથી વધુ રનથી 10-10 જીત નોંધાવી છે.
અભિષેક શર્માની તોફાની સદી
ભારતની જીતના સૌથી મોટા હીરો અભિષેક શર્મા રહ્યા હતા. તેમણે માત્ર 34 બોલમાં 108 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ T20I ક્રિકેટમાં અભિષેકની ત્રીજી સદી હતી.અભિષેકે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ પણ તેમણે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. 9મી ઓવરમાં તેમણે સદી પૂરી કરી હતી. સદી સુધી પહોંચ્યા બાદ અભિષેકે મેદાન પર બેસીને ધ્યાન લગાવવાની શૈલીમાં ઉજવણી કરી હતી.
https://x.com/ICC/status/2100632977759961518?s=20
પાવરપ્લેમાં ભારતનો નવો રેકોર્ડ
ભારતીય ટીમે પાવરપ્લેના 6 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 100 રન બનાવી લીધા હતા. T20I ક્રિકેટમાં ભારતનો આ પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર રહ્યો.અફઘાનિસ્તાનના કેપ્ટન ઇબ્રાહિમ ઝદરાને અભિષેકની રફ્તાર રોકવા માટે પાવરપ્લે દરમિયાન સ્પિન બોલિંગનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ તેની ખાસ અસર થઈ નહોતી. મોહમ્મદ નબીના એક ઓવરમાં સંજુ સેમસને સતત 2 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે અભિષેકે પણ એ જ ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા હતા.આ ઓવરમાં કુલ 29 રન આવ્યા હતા.સંજુ સેમસનને 22 રનના વ્યક્તિગત સ્કોર પર મિડ-ઓફ પર જીવતદાન મળ્યું હતું. તેનો ફાયદો ઉઠાવીને તેમણે 35 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ તેમની સતત બીજી અડધી સદી હતી.
ભારતીય બોલિંગ સામે અફઘાનિસ્તાન પત્તાના મહેલની જેમ ધરાશાયી
222 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. ભારતીય બોલરોએ નિયમિત અંતરે વિકેટો ઝડપી હતી અને અફઘાન બેટરોને સતત દબાણમાં રાખ્યા હતા.અંતે અફઘાનિસ્તાનની ટીમ 14.1 ઓવરમાં માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 127 રનની મોટી જીત સાથે માત્ર અંતિમ મેચ જ નહીં, પરંતુ સમગ્ર T20I શ્રેણી 3-0થી પોતાના નામે કરી હતી.આ મેચમાં અભિષેક શર્માની આક્રમક બેટિંગ, ભારતનો પાવરપ્લે રેકોર્ડ અને ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું હતું. આ જીતે ભારતના T20I અભિયાનમાં વધુ એક યાદગાર અધ્યાય ઉમેર્યો છે.
આ પણ વાંચો - Gautam Gambhir : ઉતાવળ કરવી યોગ્ય નથી...’ વૈભવ સૂર્યવંશીને બહાર રાખવા પર ગંભીરનું મોટું નિવેદન