ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે મહિલા T20 વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ રમશે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરી છે.ટીમ ઇન્ડિયાએ આ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે,જેમાં ત્રણમાં જીત મેળવી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.આ હાઇ-વોલ્ટેજ મેચ માટે બંને દેશોના ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
બંને ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડ
અત્યાર સુધીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે 38 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે.જેમાંથી ટીમ ઇન્ડિયાએ ફક્ત નવમાં જીત મેળવી છે.ઓસ્ટ્રેલિયાએ 27માં જીત મેળવી છે.બંને ટીમો વચ્ચેની એક મેચ ટાઇમાં સમાપ્ત થઈ છે અને એક મેચ ડ્રો થઈ છે.આ આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય મહિલા ટીમ પર સતત પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે ભારતે રમતના દરેક વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર પડશે બેટિંગ,બોલિંગ અને ફિલ્ડિંગ.
ટી20 વર્લ્ડ કપ 2026માં કેવું પ્રદર્શન રહ્યું
ચાલુ ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની વાત કરીએ તો તેઓએ તેમની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 64 રનથી હરાવ્યું.ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ્સ સામેની મેચમાં પણ 95 રનથી મોટી જીત નોંધાવી.ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું.ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત નોંધાવી.ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતવી જરૂરી
ટી20 વર્લ્ડ કપ 2026 માટે વર્તમાન સમીકરણ એવું છે કે આવતીકાલની મેચ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલથી ઓછી નથી.ઓસ્ટ્રેલિયન ટીમની મજબૂત બેટિંગ લાઇન-અપ અને શાર્પ બોલિંગનો સામનો કરવા માટે ભારતીય સ્પિનરોએ જવાબદારી સંભાળવી પડશે.સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડી પર મજબૂત શરૂઆત આપવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમાહ રોડ્રિગ્ઝે પણ મિડલ ઓર્ડરમાં મેચ વિજેતા પ્રદર્શન કરવાની જરૂર પડશે.
આ પણ વાંચો -Cricket News : હવે ખેલાડીઓની પસંદગી કરશે AI !આ ક્રિકેટ બોર્ડનું ઐતિહાસિક પગલું