ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. સિરીઝની પહેલી મેચ બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે શરૂ થઈ ગઈ છે. મેચની શરૂઆત ઈંગ્લેન્ડના પક્ષમાં થઈ હતી, જેમાં તેમના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

આ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ પર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કેપ્ટન શુભમન ગિલે પહેલી જ મેચમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા હતા.

કુલદીપ યાદવ બહાર, સુંદર પર વ્યક્ત કર્યો વિશ્વાસ

ભારતીય ટીમ મેનેજમેન્ટનો સૌથી આશ્ચર્યજનક નિર્ણય સ્પિન વિભાગમાં આવ્યો. કેપ્ટન શુભમન ગિલે ફુલ-ટાઈમ સ્પિનર ​​કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો, તેના બદલે સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પર વિશ્વાસ મૂક્યો. ઈંગ્લિશ પિચ પર મુખ્ય સ્પિનર ​​વિના રમવું એ એક આશ્ચર્યજનક પગલું માનવામાં આવે છે. પરંતુ ઊંડાણ ઉમેરવા અને બેટિંગને મજબૂત બનાવવા માટે, વોશિંગ્ટન સુંદરની સાથે પ્લેઈંગ ઈલેવનમાં અન્ય સ્પિન ઓલરાઉન્ડર, અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

https://twitter.com/BCCI/status/2076966192334647481

જસપ્રીત બુમરાહ 3 વર્ષ પછી ટીમમાં પરત ફર્યો

ભારતીય ફેન્સ માટે સૌથી મોટી ક્ષણ એ હતી કે ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું કમબેક થયું. બુમરાહ લગભગ 3 વર્ષમાં પોતાની પહેલી વનડે રમી રહ્યો છે. તેની છેલ્લી વનડે ઓસ્ટ્રેલિયા સામે 2023માં અમદાવાદમાં રમાયેલી ODI વર્લ્ડકપ ફાઈનલમાં રમી હતી. હવે તે સંપૂર્ણપણે ફ્રેશ જોવા મળી રહ્યો છે અને પેસ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહની સાથે ભારતીય ક્રિકેટના 2 સૌથી મોટા સ્ટાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ 6 મહિનાના વિરામ પછી ODI જર્સીમાં પરત ફર્યો છે.

શિવમ દુબેને મળી મોટી તક

શિવમ દુબેને પણ એક સુવર્ણ તક મળી છે. શિવમ દુબે છેલ્લે ઓગસ્ટ 2024માં શ્રીલંકા સામેની ODIમાં ભારતીય ટીમ માટે રમ્યા હતા, અને હવે તેઓ ફોર્મેટમાં પરત ફર્યા છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બ્રાર.

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?