ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 વિકેટે જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં સરસાઈ મેળવી છે.જોકે,આ રોમાંચક જીત બાદ પણ ટીમ ઇન્ડિયા સામે અનેક સવાલ ઊભા થયા છે.ભારતીય ટીમની ફિલ્ડિંગ,બોલિંગ અને પ્લેઇંગ ઇલેવનના સંતુલન અંગે ચર્ચા ચાલી રહી છે. સૌથી વધુ ચર્ચા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને બીજી મેચમાં તક મળશે કે નહીં તેને લઈને થઈ રહી છે.ઈશાન કિશન જમણી જાંઘના સ્નાયુમાં ખેંચાણને કારણે ક્રાઇસ્ટચર્ચમાં રમાનારી બીજી T20 મેચમાંથી બહાર થયો હોવાની માહિતી છે.આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે વિકલ્પ પસંદ કરવાનો પડકાર છે.આજે બીજી મેચમાં ટીમ ઇન્ડિયા કયા ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે તેના પર ચાહકોની નજર રહેશે.
ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે
પ્રથમ મેચમાં ભારતીય ફિલ્ડિંગમાં કેટલીક ભૂલો જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન મયંક યાદવની બોલિંગમાં ડેરિલ મિચેલે લોંગ ઑન તરફ શોટ રમ્યો હતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા અભિષેક શર્મા પાસે કેચ પકડવાની તક હતી, પરંતુ તે કેચ છોડી બેઠો હતો.મિચેલે આ તકનો લાભ ઉઠાવીને માત્ર 10 બોલમાં 28 રન બનાવ્યા હતા. T20 ક્રિકેટમાં એક કેચ પણ મેચનું પરિણામ બદલી શકે છે. તેથી ભારતીય ખેલાડીઓએ બીજી મેચમાં ફિલ્ડિંગ સુધારવા અને મળતી તકોનો લાભ લેવા પર ધ્યાન આપવું પડશે.
પાવરપ્લેમાં બોલરોને રન રોકવા પડશે
ભારતીય બોલિંગ પણ પ્રથમ મેચમાં અપેક્ષા મુજબ અસરકારક રહી નહોતી.ન્યૂઝીલેન્ડે પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં 65 રન બનાવીને આક્રમક શરૂઆત કરી હતી.ભુવનેશ્વર કુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતાં પ્રથમ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા, પરંતુ બીજી ઓવરમાં 17 રન ખર્ચ્યા હતા. અર્શદીપ સિંહે પણ પોતાની પ્રથમ ઓવરમાં 8 રન આપ્યા બાદ બીજી ઓવરમાં 17 રન આપ્યા હતા.ભારતને બીજી મેચમાં શરૂઆતની ઓવરોમાં યોગ્ય લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરવાની જરૂર રહેશે. સાથે જ મધ્યની ઓવરોમાં પણ રન રોકવા અને વિકેટ મેળવવાની રણનીતિ બનાવવી પડશે.
અક્ષર પટેલ સાથે બીજા સ્પિનરને તક મળશે?
પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડના સ્પિનર મિચેલ સેન્ટનર અને માઇકલ બ્રેસવેલે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. બંનેએ 2-2 વિકેટ ઝડપી હતી.એક સમયે ભારતે વિકેટ ગુમાવ્યા વિના 93 રન બનાવી લીધા હતા, પરંતુ ત્યારબાદ 22 બોલમાં 29 રનના ગાળામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બીજી તરફ, અક્ષર પટેલે 4 ઓવરમાં 51 રન આપીને 1 વિકેટ મેળવી હતી.આ પ્રદર્શન બાદ ભારતીય સ્પિન વિભાગમાં ફેરફારની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે ટીમ મેનેજમેન્ટ અક્ષર પટેલ સાથે કુલદીપ યાદવ અથવા વરુણ ચક્રવર્તી જેવા બીજા સ્પિનરને તક આપે છે કે નહીં.
https://x.com/BLACKCAPS/status/2113227671928779132?s=20
શિવમ દુબેની વાપસી થશે?
પ્રથમ મેચમાં શિવમ દુબેના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીને તક આપવામાં આવી હતી.નીતિશે 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ મેળવી હતી,જ્યારે બેટિંગમાં તે 2 રન બનાવીને અણનમ રહ્યો હતો.બીજી તરફ,અક્ષર પટેલને છઠ્ઠા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો.તેણે 14 બોલમાં 24 રન બનાવીને શ્રેયસ અય્યર સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.ઈશાન કિશનની ગેરહાજરીમાં શિવમ દુબેને ટીમમાં સામેલ કરવાની શક્યતા અંગે ચર્ચા છે.જોકે, અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટના આયોજન અને બેટિંગ-બોલિંગના સંતુલન પર આધારિત રહેશે.
વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે?
બીજી T20 પહેલાં સૌથી મોટો સવાલ વૈભવ સૂર્યવંશીને લઈને છે. ઈશાન કિશન બહાર હોવાથી ટીમમાં એક સ્થાન ખાલી થયું છે.હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ આ સ્થાન માટે કયા ખેલાડીને પસંદ કરે છે તેના પર સૌની નજર રહેશે.વૈભવને તક આપવામાં આવે તો તે પોતાની બેટિંગથી ટીમને મજબૂત શરૂઆત અપાવવાનો પ્રયાસ કરી શકે છે. બીજી તરફ, શિવમ દુબેને સામેલ કરવાથી ટીમને બેટિંગની સાથે વધારાના બોલિંગ વિકલ્પનો લાભ મળી શકે છે.આથી,બીજી મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાની શક્યતા છે. જોકે, વૈભવ સૂર્યવંશી રમશે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ અંતિમ ટીમ જાહેર થયા બાદ જ થશે.
ભારત અને ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટીમ ઈન્ડિયા: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.
ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ટિમ સેફર્ટ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, નાથન સ્મિથ, કાઇલ જેમિસન, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.
આ પણ વાંચો - NZ A vs IND A 1st Unofficial Test : ઇન્ડિયા Aનો ધબડકો! આખી ટીમ માત્ર 113 રનમાં ઓલઆઉટ