ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની આજે બીજી મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાવાની છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે 226 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરીને 4 વિકેટે શાનદાર જીત મેળવી હતી. હવે ટીમ ઇન્ડિયાની નજર બીજી મેચ જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવવા પર રહેશે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે વાપસી કરવા માટે મેદાનમાં ઉતરશે.આ મેચ પહેલાં ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ક્રાઇસ્ટચર્ચની પિચ બેટ્સમેનોને મદદ કરશે કે બોલરોને? ઉપરાંત, ઝાકળની અસર અને ટોસનો નિર્ણય પણ મેચનું પરિણામ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ક્રાઇસ્ટચર્ચની પિચનો મિજાજ કેવો રહેશે?
હેગલી ઓવલની એ જ પિચ પર બીજી મેચ રમાવાની છે, જ્યાં પ્રથમ T20માં બંને ટીમોએ મળીને 455 રન બનાવ્યા હતા. આથી ફરી એકવાર મોટા સ્કોરવાળી મેચ જોવા મળે તેવી શક્યતા છે.જોકે, પ્રથમ મેચમાં શરૂઆતના તબક્કામાં પિચ થોડી ધીમી જણાઈ હતી. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં પિચ ધીમી હતી, પરંતુ ત્યારબાદ બેટિંગ માટે સરળ બની ગઈ હતી. સંજુ સેમસને પણ શરૂઆતમાં બોલ સ્વિંગ થતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આથી, શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને સ્વિંગ મળી શકે છે. નવી બોલથી બોલરો વિકેટ મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે પિચ સ્થિર થયા બાદ બેટ્સમેનો માટે મોટા શોટ રમવા સરળ બની શકે છે.
ઝાકળને કારણે ટોસ મહત્વનો રહેશે
આ મેચ સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થવાની છે. રાત્રિના સમયે ઝાકળની અસર જોવા મળે તો બીજી ઇનિંગમાં બેટિંગ કરતી ટીમને ફાયદો થઈ શકે છે.આવી સ્થિતિમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. જોકે, ટોસનો નિર્ણય પિચની સ્થિતિ, હવામાન અને ટીમની રણનીતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.ક્રાઇસ્ટચર્ચમાં અગાઉ રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચોના આંકડા પણ બીજી ઇનિંગમાં બેટિંગ કરતી ટીમ માટે સકારાત્મક સંકેત આપે છે.
ક્રાઇસ્ટચર્ચના T20 આંતરરાષ્ટ્રીય આંકડા
- કુલ મેચ: 16
- પ્રથમ બેટિંગ કરીને જીતેલી મેચ: 6
- બીજી બેટિંગ કરીને જીતેલી મેચ: 9
- ટોસ જીતીને જીતેલી મેચ: 7
- ટોસ હારીને જીતેલી મેચ: 8
- પરિણામ વગરની મેચ: 1
- સૌથી મોટો સ્કોર: 236/4
વૈભવ સૂર્યવંશીને તક મળશે કે શિવમ દુબે રમશે?
બીજી મેચ પહેલાં ભારતીય ટીમની પ્લેઇંગ-11 અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ઈશાન કિશન ઈજાને કારણે ઉપલબ્ધ ન હોવાની માહિતી વચ્ચે વૈભવ સૂર્યવંશી અને શિવમ દુબેમાંથી કોને તક મળશે તે જોવાનું રહેશે.પ્રથમ મેચમાં સંજુ સેમસન, શ્રેયસ અય્યર અને નમન ધીરે બેટિંગમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. હવે ટીમ મેનેજમેન્ટ બેટિંગની મજબૂતી અને બોલિંગના વિકલ્પો વચ્ચે સંતુલન જાળવવા માગશે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11
સંજુ સેમસન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અથવા શિવમ દુબે, શ્રેયસ અય્યર, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.
ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ-11
ટિમ સેફર્ટ, ફિન એલન, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઇકલ બ्रेसવેલ, મિચેલ સેન્ટનર, નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.
આ પણ વાંચો - IND vs NZ 2nd T20I : ઈશાન કિશન બહાર તો કોની લાગશે લોટરી? વૈભવ સૂર્યવંશી સહિત 5 મોટા સવાલ