ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ 27 ઓક્ટોબરે હેમિલ્ટનમાં રમાવાની છે. ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે અને હવે ત્રીજી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા માગશે. જોકે, આ શ્રેણીમાં અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. શરૂઆતની બે મેચમાં તે માત્ર 1 વિકેટ લઈ શક્યો છે અને રન પણ વધુ આપ્યા છે. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેના અનુભવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બોલિંગ કોચ મોર્ને મોર્કલે સંકેત આપ્યો છે કે ભુવનેશ્વરને આગામી મેચમાં પણ તક મળી શકે છે.
ભુવનેશ્વર કુમાર ત્રીજી T20માં રમશે?
લગભગ 4 વર્ષ બાદ ભારતીય T20 ટીમમાં પરત ફરેલા ભુવનેશ્વર કુમાર પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી.IPLમાં તેના સારા પ્રદર્શન બાદ તેને ટીમમાં સ્થાન મળ્યું હતું.જોકે,ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે મેચમાં તે પોતાની લય મેળવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.તેના પ્રદર્શનને કારણે પ્લેઇંગ ઇલેવનમાં તેના સ્થાન અંગે સવાલો ઊભા થયા છે.તેમ છતાં બોલિંગ કોચ મોર્ને મોર્કલે ભુવનેશ્વરનો બચાવ કર્યો છે.તેમના મતે,લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર ખેલાડીને લય મેળવવા માટે થોડો સમય આપવો જરૂરી છે.મોર્ને મોર્કલે કહ્યું હતું કે ભુવનેશ્વરની વાપસી સાથે ઘણી અપેક્ષાઓ જોડાયેલી હતી. IPLમાં તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેની પસંદગી કરવામાં આવી હતી.કોચના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ તેના અનુભવ અને બોલિંગ કૌશલ્યને મહત્ત્વ આપી રહ્યું છે.
ભુવનેશ્વરને લય મેળવવા માટે સમય આપવો જરૂરી: મોર્કલ
મોર્ને મોર્કલે વધુમાં જણાવ્યું હતું કે વ્યસ્ત સમયપત્રકને કારણે ભુવનેશ્વરને તાલીમ અને તૈયારી માટે મર્યાદિત સમય મળ્યો હતો. જોકે, ટીમને તેની ક્ષમતા અને અનુભવ પર વિશ્વાસ છે.કોચે કહ્યું હતું કે ખેલાડીને રમતી વખતે જ ધીમે ધીમે લય મળે છે. ટીમમાં જોડાયા બાદ ભુવનેશ્વરને વધુ પડતું વિચારવાને બદલે પોતાની સ્વાભાવિક રમત રમવાની સલાહ આપવામાં આવી હતી.મોર્કલના મતે, દરેક મેચ સાથે ખેલાડી વધુ સારો બની શકે છે અને તેની લયમાં સુધારો થઈ શકે છે. આથી, શરૂઆતની બે મેચના પ્રદર્શનના આધારે જ ભુવનેશ્વર અંગે અંતિમ નિર્ણય લેવો યોગ્ય નથી.
ત્રીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઈશાન કિશન ઈજાને કારણે ત્રીજી T20 મેચમાંથી બહાર હોવાથી ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં ફેરફાર થઈ શકે છે. અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ કરી શકે છે, જ્યારે વૈભવ સૂર્યવંશીને ત્રીજા ક્રમે તક મળવાની શક્યતા છે.
ભારતની સંભવિત પ્લેઇંગ 11
અભિષેક શર્મા,સંજુ સેમસન,વૈભવ સૂર્યવંશી,શ્રેયસ ઐયર(કેપ્ટન),તિલક વર્મા,નીતિશ કુમાર રેડ્ડી,નમન ધીર,અક્ષર પટેલ,ભુવનેશ્વર કુમાર,અર્શદીપ સિંહ,પ્રિન્સ યાદવ
શ્રેણી જીતવા ઉતરશે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0થી આગળ છે.ત્રીજી મેચમાં જીત મેળવીને ટીમ શ્રેણી પોતાના નામે કરવા માગશે.ભુવનેશ્વર કુમારને તક મળે તો તેની પાસે અનુભવના આધારે વધુ સારું પ્રદર્શન કરવાની તક હશે.હવે જોવાનું એ રહેશે કે ભુવનેશ્વર પોતાની લય પાછી મેળવી શકે છે કે નહીં અને ભારતીય ટીમ ત્રીજી મેચમાં શ્રેણી જીતીને પોતાની સરસાઈ જાળવી રાખે છે કે નહીં.
આ પણ વાંચો- PAK vs ENG: મેચમાં હાઈવોલ્ટેજ ડ્રામ! હારિસ રઉફ અને વિલ જેક્સ વચ્ચે બબાલ!