લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચ માત્ર રસાકસીભરી રમત માટે જ નહીં, પરંતુ મેદાન પર સર્જાયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા માટે પણ ચર્ચામાં આવી છે. મેચ દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફ અને ઇંગ્લિશ ઓલરાઉન્ડર વિલ જેક્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે રઉફ ફિલ્ડ અમ્પાયર સાથે પણ દલીલ કરતો નજરે પડ્યો હતો.

સેમ કરનની બોલ પર શરૂ થયો વિવાદ

25 ઓક્ટોબરે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે ત્રિકોણીય શ્રેણીની રોમાંચક મેચ રમાઈ હતી. મેચ દરમિયાન ઇંગ્લેન્ડના સેમ કરને પાકિસ્તાનના બેટર શાદાબ ખાન સામે બાઉન્સર બોલ ફેંક્યો હતો.આ બોલને લઈને હારિસ રઉફે વાઇડ આપવાની અપીલ કરી હતી, પરંતુ મેદાન પરના અમ્પાયરે તેની અપીલ સ્વીકારી નહોતી. આ નિર્ણયથી રઉફ અસહમત જોવા મળ્યો હતો.આ દરમિયાન વિલ જેક્સે કંઈક કહ્યું હતું, જેના કારણે રઉફ નારાજ થયો હોવાનું વીડિયોમાં જોવા મળે છે. તેણે અમ્પાયર સાથે પણ દલીલ કરી હતી.

https://x.com/cricsam02/status/2114386139654332660?s=20

અમ્પાયરે કરાવ્યું વચ્ચે પડીને સમાધાન

મેદાન પર ખેલાડીઓ વચ્ચે વધી રહેલી બોલાચાલીને ધ્યાનમાં રાખીને અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.જોકે, વિલ જેક્સે એવું શું કહ્યું હતું કે હારિસ રઉફ નારાજ થયો, તેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. તેથી બંને ખેલાડીઓ વચ્ચેની બોલાચાલી પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

પાકિસ્તાને 1 વિકેટે જીતી રોમાંચક મેચ

મેદાન પરના આ વિવાદ વચ્ચે પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે યાદગાર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 241 રન બનાવ્યા હતા અને પાકિસ્તાન સામે 242 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ એક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ટીમે 154 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડ સરળતાથી મેચ જીતી જશે, પરંતુ શાદાબ ખાન અને હારિસ રઉફે મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.શાદાબ ખાને અણનમ 113 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ, હારિસ રઉફે અણનમ 7 રન બનાવીને તેને સાથ આપ્યો હતો. બંને વચ્ચે છેલ્લી વિકેટ માટે 89 રનની અણનમ ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ પાકિસ્તાનને જીત અપાવી હતી.શાનદાર સદી માટે શાદાબ ખાનને ‘પ્લેયર ઑફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. એક તરફ મેદાન પર ખેલાડીઓ વચ્ચેની બોલાચાલી ચર્ચામાં રહી, તો બીજી તરફ પાકિસ્તાનની ઐતિહાસિક જીતે પણ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ પણ વાંચો - Rohit Sharma ફરી બનશે MIનો કેપ્ટન? અશ્વિને કરી મોટી આગાહી!