IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારોને લઈને ચર્ચા શરૂ થઈ છે. મહેલા જયવર્દનેની વિદાય અને કિરોન પોલાર્ડને નવા હેડ કોચ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે હવે ટીમના આગામી કેપ્ટનને લઈને અટકળો તેજ બની છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો સાથ છોડી શકે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આગાહી કરી છે કે રોહિત શર્મા ફરી એકવાર મુંબઈની ટીમની કમાન સંભાળી શકે છે.

'રોહિત શર્મા સૌથી યોગ્ય વિકલ્પ'

રવિચંદ્રન અશ્વિનના મતે, 2028માં યોજાનારા મેગા ઓક્શન પહેલાં IPL 2027ની એક સિઝન માટે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. અશ્વિને આ સંભાવના અંગે વાત કરતાં કહ્યું હતું કે આગામી સિઝન માટે રોહિત યોગ્ય વિકલ્પ બની શકે છે.અશ્વિને કહ્યું, “મને લાગે છે કે ઓછામાં ઓછી આગામી સિઝન માટે તે એટલે કે રોહિત શર્મા સૌથી યોગ્ય વિકલ્પ છે. મારી નજરમાં તે આ દોડમાં સૌથી આગળ છે. પોલાર્ડ સાથે તેના સંબંધો પણ ખૂબ સારા છે.રોહિત અગાઉ મુંબઈ ઈન્ડિયન્સને પોતાની કેપ્ટનશિપમાં પાંચ IPL ખિતાબ અપાવી ચૂક્યો છે. તેથી જો ફ્રેન્ચાઇઝી ફરી તેને નેતૃત્વ સોંપે, તો તે ટીમ માટે જૂના અનુભવનો ઉપયોગ કરવાની તક બની શકે છે

હાર્દિક પંડ્યા મુંબઈનો સાથ છોડશે?

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, તેની ટીમ છોડવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અશ્વિનનું માનવું છે કે હાર્દિકના ટીમમાં રહેવાની શક્યતા ઓછી હોઈ શકે છે અને તેના કારણે કેપ્ટનપદ અંગે પણ અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે.હાર્દિકે 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળી હતી. હવે IPL 2027 પહેલાં ટીમના નેતૃત્વમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે અંગે ચાહકોમાં ઉત્સુકતા છે.

https://x.com/CricketCentrl/status/2114594418594623671?s=20


જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ વિકલ્પ

મુંબઈ ઈન્ડિયન્સ પાસે કેપ્ટનપદ માટે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ જેવા અનુભવી ખેલાડીઓ પણ છે. જોકે, અશ્વિને આ બંને ખેલાડીઓના નામ અંગે પોતાની શંકા વ્યક્ત કરી હતી.અશ્વિના મતે, બુમરાહની ફિટનેસ અને ઈજાઓને ધ્યાનમાં રાખીને તેને લાંબા ગાળાની કેપ્ટનશિપ સોંપવા અંગે વિચાર કરવો પડે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવની ઉપલબ્ધતા અને અન્ય ટીમોમાં તેની ભૂમિકાને લઈને પણ ચર્ચા થઈ શકે છે.જોકે, આ માત્ર અશ્વિનનો અભિપ્રાય છે. મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટેના કેપ્ટન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

તિલક વર્માને પણ મળી શકે છે તક

યુવા બેટર તિલક વર્માનું નામ પણ મુંબઈ ઈન્ડિયન્સના સંભવિત કેપ્ટન તરીકે ચર્ચામાં છે. તિલક ભારતીય T20 ટીમનો મહત્ત્વનો ખેલાડી છે અને તેને તાજેતરમાં ભારતીય ટીમમાં ઉપકેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલો છે.તિલક સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પણ તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની છે. જો ફ્રેન્ચાઇઝી યુવા ખેલાડીને નેતૃત્વની જવાબદારી સોંપવાનું વિચારે, તો તિલકનું નામ ચર્ચામાં આવી શકે છે.હાલમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામને લઈને અટકળો ચાલી રહી છે. હવે મુંબઈ ઈન્ડિયન્સનો આગામી કેપ્ટન કોણ બનશે તે જાણવા માટે ટીમની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

આ પણ વાંચો - Cricket News : દો ભાઈ, દોનો તબાહી… વૈભવ સૂર્યવંશી નાના ભાઈએ ફટકારી તોફાની સદી