ભારતીય ક્રિકેટના યુવા ઝડપી બોલર ગુરનૂર બ્રારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર બોલિંગ કરીને પોતાની છાપ છોડી છે. વેલિંગ્ટનમાં રમાયેલી આ મેચમાં તેણે 10 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 41 ઓવરમાં માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ગુરનૂર ન્યૂઝીલેન્ડની ધરતી પર વનડેમાં કોઈ ભારતીય બોલર દ્વારા કરવામાં આવેલા ત્રીજા શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો હકદાર બન્યો છે.
યાદીમાં અનિલ કુંબલે અને જવાગલ શ્રીનાથ જ આગળ
ન્યૂઝીલેન્ડમાં વનડે ક્રિકેટમાં ભારતીય બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શનની યાદીમાં પ્રથમ સ્થાન અનિલ કુંબલેનું છે. તેમણે 30 માર્ચ 1994ના રોજ વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે 10 ઓવરમાં 33 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનને 32 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યાદીમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. બીજા સ્થાને જવાગલ શ્રીનાથ છે. તેમણે 26 ડિસેમ્બર 2002ના રોજ ઓકલેન્ડમાં 10 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી. હવે ગુરનૂર બરારનું 4 વિકેટ માટે 30 રન આપવાનું પ્રદર્શન ત્રીજા સ્થાને આવી ગયું છે.
એક જ ઓવરમાં ટોમ લાથમ અને ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા
ગુરનૂરે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 20મી ઓવરમાં બે મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે પહેલાં ટોમ લાથમને 7 રનના સ્કોરે નમન ધીરના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ એ જ ઓવરના અંતિમ બોલે ગ્લેન ફિલિપ્સને શૂન્ય રને આઉટ કર્યો હતો. અંશુલ કંબોજે તેનો કેચ પકડ્યો હતો. ત્યારબાદ ગુરનૂરે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરને 31 રનના સ્કોરે આઉટ કર્યો હતો. વિકેટકીપર કેએલ રાહુલે તેનો કેચ પકડ્યો હતો. પોતાની 10મી ઓવરમાં તેણે કાયલ જેમિસનને આઉટ કરીને 4 વિકેટ પૂરી કરી હતી. આ રીતે તેણે ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડર અને અંતિમ ક્રમને મોટો ફટકો આપ્યો હતો.
ભારતીય ઝડપી બોલરોની ખાસ યાદીમાં પણ સ્થાન
ગુરનૂર ન્યૂઝીલેન્ડમાં વનડે મેચમાં 4 કે તેથી વધુ વિકેટ લેનારો ચોથો ભારતીય ઝડપી બોલર બન્યો છે. આ યાદીમાં જવાગલ શ્રીનાથ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. શ્રીનાથે ન્યૂઝીલેન્ડ સામે આવી બે વખત સફળતા મેળવી છે. આ શ્રેણીની પ્રથમ વનડેમાં અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ગુરનૂરે બીજી મેચમાં 4 વિકેટ લઈને ભારતીય ઝડપી બોલિંગની અસરકારકતા ફરી સાબિત કરી છે. શ્રેણીની પ્રથમ બે મેચમાં ગુરનૂરના નામે કુલ 7 વિકેટ નોંધાઈ છે અને તેનો બોલિંગ સરેરાશ 10.57નો રહ્યો છે.
આ પણ વાંચો: AI Coaching: ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ: મુંબઈના ખેલાડીઓ હવે AIના ઈશારે રમશે !