ભારતીય ક્રિકેટ ટીમની ફિલ્ડિંગ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને કેચ છોડવાની સમસ્યાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ ભારતીય ખેલાડીઓએ કેટલીક આસાન તક ગુમાવી હતી. જોકે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં ઝડપી બોલર ગુરનૂર બ્રારે એવો અદ્ભુત કેચ પકડ્યો કે બેટર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ગુરનૂરે પોતાની જ બોલિંગમાં એક હાથે કેચ પકડીને ટોમ લાથમને પેવેલિયન મોકલી દીધો હતો.

ગુરનૂર બ્રારે પોતાની જ બોલિંગમાં કર્યો કમાલ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ પહેલાં બોલિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ભારતીય બોલર અર્શદીપ સિંહે શરૂઆતમાં જ 2 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને મુશ્કેલીમાં મૂકી દીધું હતું.ત્યારબાદ ગુરનૂર બરાડે પણ પોતાની બોલિંગથી પ્રભાવ પાડ્યો હતો. તેણે પહેલાં ન્યૂઝીલેન્ડના ઓપનર ટિમ સેફર્ટની વિકેટ મેળવી હતી. ત્યારબાદ આગામી ઓવરમાં જ ટોમ લાથમને પણ આઉટ કરીને ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી હતી.

https://x.com/prateek_295/status/2117826473231077785?a=xtQJKkqEKL036z0i9-s&s=20


એક હાથે પકડ્યો અદભુત કેચ

આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 17મી ઓવરમાં બની હતી. ગુરનૂર બરાડની ઓવરનો બીજો બોલ ટોમ લાથમે ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોલ બેટ સાથે અથડાઈને સીધો બોલર ગુરનૂર તરફ ગયો હતો.તે સમયે ગુરનૂર પોતાનો ફોલો થ્રૂ પૂરો કરી રહ્યો હતો. અચાનક પોતાની ડાબી બાજુ આવેલા બોલને પકડવા માટે તેણે હાથ લંબાવ્યો હતો. ગુરનૂરે ડાબા હાથે જબરદસ્ત કેચ પકડી લીધો હતો.ગુરનૂરનો આ કેચ જોઈને ટોમ લાથમ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે બોલરે પોતાની જ બોલિંગમાં આટલો મુશ્કેલ કેચ પકડી લીધો છે. આ રીતે માત્ર 3 રન બનાવીને રમી રહેલા લાથમની ઇનિંગ્સનો અંત આવ્યો હતો અને ન્યૂઝીલેન્ડે ચોથી વિકેટ ગુમાવી હતી.

અર્શદીપ સિંહે પણ અપાવી હતી શરૂઆતની સફળતા

આ મેચમાં ગુરનૂર બરાડ ઉપરાંત અર્શદીપ સિંહે પણ શાનદાર બોલિંગ કરી હતી. ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપે પહેલાં વિલ યંગને આઉટ કર્યો હતો. ત્યારબાદ હેનરી નિકોલ્સને પણ વધારે સમય મેદાન પર ટકવા દીધો નહોતો.બીજી તરફ, આકિબ નબીને પણ વિકેટ મળવાની તક હતી, પરંતુ નમન ધીરે ટિમ સેફર્ટનો આસાન કેચ છોડી દીધો હતો. જોકે, સેફર્ટને 38 રનના સ્કોર પર ગુરનૂર બરાડે આઉટ કરીને ભારતીય ટીમને સફળતા અપાવી હતી.છેલ્લા કેટલાક સમયથી કેચ છોડવાની સમસ્યાનો સામનો કરી રહેલી ટીમ ઈન્ડિયા માટે ગુરનૂર બરાડનો આ અદભુત કેચ ચોક્કસ રાહત આપનારો હતો. હવે આ કેચનો વીડિયો પણ ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો - Vaibhav Sooryavanshiને ઉપ-કેપ્ટન બનાવતાં જ વિવાદ, સચિનના નિવેદનથી ચર્ચા તેજ!