ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને માત્ર 15 વર્ષની ઉંમરે મોટી જવાબદારી સોંપવાના નિર્ણય પર હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. વૈભવને દલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોનનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, સચિનના મતે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વૈભવને અત્યારે માત્ર ક્રિકેટ રમવા દેવી જોઈએ અને તેને વધુમાં વધુ રેડ બોલ ક્રિકેટ રમવાની તક આપવી જોઈએ.
વૈભવની ઉપ-કેપ્ટન પર સચિને શું કહ્યું?
સચિન તેંડુલકરે રેડિટના 'આસ્ક મી એનીથિંગ' સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એક ક્રિકેટ ચાહકે તેમને પૂછ્યું હતું કે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને દલીપ ટ્રોફીમાં ઉપ-કેપ્ટન બનાવવાના નિર્ણય વિશે તેમનો શું અભિપ્રાય છે?આ સવાલના જવાબમાં સચિને કહ્યું કે તેમના મતે વૈભવને ઉપ-કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય નહોતો. તેમને લાગે છે કે આ નિર્ણય લેવામાં થોડી ઉતાવળ કરવામાં આવી છે. સચિને કહ્યું કે વૈભવને અત્યારે રમવા દેવો જોઈએ અને તેને શક્ય તેટલી વધુ રેડ બોલ મેચ રમવાની તક મળવી જોઈએ.તેમણે વધુમાં જણાવ્યું કે યુવા ખેલાડીની કારકિર્દીને ધીમે ધીમે આગળ વધારવી જોઈએ. તેના પર એકસાથે મોટી જવાબદારીઓનો બોજ નાખવાને બદલે તેને દરેક તબક્કે અનુભવ મેળવવા દેવો જોઈએ.
વૈભવને ઉપ-કેપ્ટન બનાવવાનું કારણ શું હતું?
વૈભવ સૂર્યવંશીને દલીપ ટ્રોફીમાં ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે પણ અનેક ક્રિકેટ નિષ્ણાતોએ આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. જોકે, ઈસ્ટ ઝોનની પસંદગી સમિતિના સભ્ય પ્રંજન મલિકે આ નિર્ણયનો બચાવ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે વૈભવને કેપ્ટન બનાવવામાં આવ્યો નથી, પરંતુ માત્ર ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમનો મુખ્ય કેપ્ટન ઈશાન કિશન છે. ઈશાન વિકેટકીપર હોવાથી મેદાન પર સતત સક્રિય રહે છે. આવી સ્થિતિમાં વૈભવને થોડી જવાબદારી આપીને તેને વધુ પરિપક્વ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એક દિવસ ભારતીય ટીમનો કેપ્ટન બનશે વૈભવ?
પ્રંજન મલિકે વૈભવના ભવિષ્ય અંગે પણ મોટી આશા વ્યક્ત કરી હતી. તેમના મતે યુવા ખેલાડીઓને નાની ઉંમરથી જ જવાબદારી આપવી જોઈએ. તેમણે એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી કે એક દિવસ વૈભવ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની શકે છે.તેમણે જણાવ્યું હતું કે વૈભવ દેશ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ માટે પણ તેની IPL સિઝન સારી રહી હતી. આ ઉપરાંત તે બિહારની રણજી ટ્રોફી ટીમનો ઉપ-કેપ્ટન પણ રહી ચૂક્યો છે.જોકે, સચિન તેંડુલકરનો અભિપ્રાય આ નિર્ણયથી અલગ છે. તેમના મતે વૈભવને અત્યારે મોટી જવાબદારી આપવાને બદલે તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવું જોઈએ. હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં વૈભવને કઈ રીતે આગળ વધારવામાં આવે છે.
આ પણ વાંચો - Naman Dhir એક ભૂલ અને ન્યૂઝીલેન્ડને જીવનદાન! કેચ છૂટતાં જ સિક્સર ફટકારી