ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. શરૂઆતની બંને મેચ જીતીને ભારતીય ટીમે સીરિઝમાં મજબૂત પકડ બનાવી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્રીજી વનડે પહેલાં કીવી ટીમને એકસાથે બે મોટા ઝટકા લાગ્યા છે. ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર ઈજાના કારણે સીરિઝની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમાં કર્યો ફેરફાર
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે ટીમમાં કરવામાં આવેલા ફેરફારોની જાણકારી આપી હતી. બંને ખેલાડીઓની ગેરહાજરીમાં બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ્ટિયન ક્લાર્કને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે હેમિલ્ટનમાં રમાનારી ત્રીજી વનડે પહેલાં ટીમ સાથે જોડાઈ ગયો છે. આ ઉપરાંત ઝડપી બોલર મેટ હેનરીને ચોથી વનડે માટે ટીમમાં પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.
https://x.com/cricinfo/status/2119639109639794710?a=L8n-RpZTsZH90BOeF8w&s=20
લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર લોકી ફર્ગ્યુસન ટી-20 સીરિઝ દરમિયાન થયેલી કાફની ઈજામાંથી હજુ સંપૂર્ણ રીતે સાજા થયા નથી. આ કારણે તે ભારત સામેની છેલ્લી બે વનડેમાં રમી શકશે નહીં.બીજી તરફ બ્લેર ટિકનરને વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વનડે દરમિયાન હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. જોકે, હવે તેમની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ ICCના નિયમો પ્રમાણે માથામાં ઈજા થયા બાદ તેમણે 7 દિવસ સુધી મેદાનથી દૂર રહેવું પડશે. આ કારણે તે પણ સીરિઝની આગામી બંને મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં.બ્લેર ટિકનરના સ્થાને ક્રિસ્ટિયન ક્લાર્કને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમને વધારાનો વિકલ્પ પૂરો પાડી શકે છે. નોંધનીય છે કે ડેવોન કોનવે પણ આ સીરિઝમાંથી અગાઉ જ બહાર થઈ ચૂક્યો છે.
https://x.com/ICC/status/2119617855742529914?a=xU8-R9mzkBqjYPJPOl8&s=20
મેટ હેનરી અને કાયલ જેમિસન ચોથી વનડે પણ રમશે
ન્યૂઝીલેન્ડની ટીમમાં બીજો મહત્ત્વપૂર્ણ ફેરફાર મેટ હેનરીને લઈને કરવામાં આવ્યો છે. અગાઉ મેટ હેનરી અને કાયલ જેમિસન ત્રીજી વનડે બાદ વેલિંગ્ટનમાં યોજાનારા ટેસ્ટ કેમ્પમાં જોડાવાના હતા. જોકે, હવે બંને ખેલાડીઓ ચોથી વનડે સુધી ટીમ સાથે રહેશે.ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સીરિઝની છેલ્લી બે મેચ માટે ટીમમાં વધુ બે નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવશે.આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના પાંચ ખેલાડીઓ ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ અને નાથન સ્મિથ ત્રીજી વનડેના એક દિવસ બાદ ટેસ્ટ સીરિઝની તૈયારી માટે વેલિંગ્ટન જવા રવાના થશે.
ત્રીજી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ
મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, કાયલ જેમિસન, નિક કેલી, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સીફર્ટ, નાથન સ્મિથ અને વિલ યંગ.
ચોથી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ
મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, મિચેલ હે, મેટ હેનરી, કાયલ જેમિસન, નિક કેલી, ટિમ સીફર્ટ અને વિલ યંગ.
આ પણ વાંચો - Rohit Sharma : 2 મેચમાં માત્ર 23 રન, હવે હિટમેન પાસે સદી ફટકારવાની સુવર્ણ તક!