વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઇન્ડિયાના હાથમાંથી જીતવાની તક સરકી ગઈ.અંતિમ દિવસે ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડની છેલ્લી 8 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે પિચ,બોલરોની મહેનત અને આગામી ટેસ્ટને લઈને પોતાની વાત રજૂ કરી હતી.
છેલ્લી ઘડીએ હાથમાંથી સરકી જીત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. પાંચ દિવસ સુધી ચાલેલા આ મુકાબલામાં ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, અંતિમ દિવસે ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડની છેલ્લી 8 વિકેટ ઝડપી શક્યા નહોતા. ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરીને પોતાની ટીમને હારથી બચાવી લીધી હતી.ભારત પાસે આ મેચ જીતીને ન્યૂઝીલેન્ડની ધરતી પર 17 વર્ષ બાદ ટેસ્ટ જીતવાની તક હતી. પરંતુ અંતિમ દિવસે વિકેટ ન મળતાં ટીમ ઇન્ડિયાને ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો. જીતેલી બાજી ડ્રોમાં ફેરવાતાં કેપ્ટન શુભમન ગિલ પણ થોડો નિરાશ જોવા મળ્યો હતો.
'આ પિચ પર 10 વિકેટ લેવી મોટો પડકાર હતો'
મેચ બાદ યોજાયેલા પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં શુભમન ગિલે ટીમના પ્રદર્શન અને અંતિમ દિવસની રમત વિશે વાત કરી હતી.તેને પૂછવામાં આવ્યું કે પાંચમા દિવસે મેદાન પર રમવું કેટલું મુશ્કેલ હતું?આ સવાલના જવાબમાં ગિલે કહ્યું હતું કે અમને પહેલેથી જ ખબર હતી કે આ પિચ પર 10 વિકેટ લેવી મોટો પડકાર હશે.અમારી પાસે કેટલીક તકો આવી હતી, પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.ખાસ કરીને જ્યારે નીચલા ક્રમના બેટ્સમેનો ક્રીઝ પર હોય ત્યારે તેમને આઉટ કરવા મુશ્કેલ બની જાય છે.ગિલે વધુમાં કહ્યું કે એકંદરે ટીમે આખી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે.વિદેશી ધરતી પર રમતી વખતે ટીમે મજબૂત પડકાર આપ્યો હતો.બેટ્સમેન અને બોલર બંનેએ પોતાનું યોગદાન આપ્યું હતું. બે સદી પણ ફટકારવામાં આવી અને ટીમે 700થી વધુ રન બનાવ્યા, જે મોટી સિદ્ધિ છે.
ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ પહેલાં બોલરોને આરામ આપવો જરૂરી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાવાની છે.આ મેચ પહેલાં ટીમમાં કયા સુધારા કરવાની જરૂર છે તે અંગે ગિલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.તેણે કહ્યું કે ટીમને કોઈ ખાસ ક્ષેત્રમાં સુધારો કરવાની જરૂર નથી. આશા છે કે ક્રાઇસ્ટચર્ચની પિચ પર બોલરોને થોડી વધુ મદદ મળશે. જો ટીમ ત્યાં પણ બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરશે તો પરિણામ ભારતના પક્ષમાં આવી શકે છે.ગિલે વેલિંગ્ટનની પિચ વિશે પણ વાત કરી હતી.તેના મતે જો પિચ પરથી બોલરોને થોડી વધુ મદદ મળી હોત તો પરિણામ અલગ હોઈ શક્યું હોત.તેણે કહ્યું કે ઝડપી બોલરો થાકી ગયા હતા. તેમણે લગભગ 50-50 ઓવર બોલિંગ કરી હતી. આગામી મેચ માત્ર 3 દિવસ બાદ હોવાથી તમામ બોલરોને ફ્રેશ રાખવા જરૂરી છે. અંતિમ સમયે 5થી 10 ઓવર વધુ બોલિંગ કરવાથી ખાસ ફાયદો થવાનો નહોતો.
https://x.com/CricCrazyJohns/status/2124729482972119268?a=inaJXqyVAGrhDdbr-ys&s=20
WTC પોઇન્ટ્સ ટેબલમાં ભારતને મોટો ફટકો
વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થવાની સીધી અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ ટેબલ પર પડી છે. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી, કારણ કે ટીમ ફાઇનલની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માગતી હતી.પરંતુ મેચ ડ્રો થતાં ભારતનું પોઇન્ટ્સ પર્સેન્ટેજ 51.52%થી ઘટીને 50.00% થઈ ગયું છે.આ સાથે ટીમ ઇન્ડિયા પોઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે.હવે ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે. આગામી ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતીય ટીમ જીત સાથે વાપસી કરવા માગશે. શુભમન ગિલની ટીમ માટે હવે દરેક મેચ મહત્વપૂર્ણ બની ગઈ છે.
આ પણ વાંચો- WTC Points Table : વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતાં ભારતનું વધ્યું ટેન્શન, WTC ફાઇનલનો રસ્તો થયો મુશ્કેલ!