વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે જોરદાર વાપસી કરી છે. એક સમયે માત્ર 70 રનમાં 5 વિકેટ ગુમાવનાર ન્યૂઝીલેન્ડે હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સની શાનદાર બેટિંગના આધારે પ્રથમ દાવમાં 368 રન બનાવ્યા છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશ દીપે 3 અને અંશુલ કંબોજે 2 વિકેટ પોતાના નામે કરી હતી.ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જસપ્રીત બુમરાહે પોતાના પ્રથમ જ ઓવરમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને ખાતું ખોલાવ્યા વિના બોલ્ડ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ચોથી ઓવરમાં અંશુલ કંબોજે ડેવોન કોનવેને માત્ર 4 રને પેવેલિયન મોકલી દીધા હતા.

70 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ

ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ અહીં અટકી નહોતી. હેનરી નિકોલ્સ એક તરફ મક્કમતાથી બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ બીજી તરફ ભારતીય બોલરો સતત વિકેટ લઈ રહ્યા હતા. આકાશ દીપે રચિન રવિન્દ્રને 15 રને આઉટ કર્યા હતા. ત્યારબાદ બુમરાહે ડેરિલ મિશેલ અને ટોમ બ્લંડેલને પેવેલિયન મોકલીને ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધારી દીધી હતી.આ રીતે ન્યૂઝીલેન્ડે માત્ર 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ યજમાન ટીમને ઓછા સ્કોરમાં ઓલઆઉટ કરી દેશે. જોકે, ત્યારબાદ ગ્લેન ફિલિપ્સે હેનરી નિકોલ્સ સાથે મળીને ભારતીય બોલરોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.

નિકોલ્સ અને ફિલિપ્સ વચ્ચે 216 રનની ભાગીદારી

છઠ્ઠી વિકેટ માટે હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચે 216 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. બંને બેટ્સમેનોએ ભારતીય બોલરો સામે આક્રમક અને જવાબદારીભરી બેટિંગ કરી હતી.ફિલિપ્સે 216 બોલમાં 118 રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગમાં 14 ચોગ્ગા સામેલ હતા. આ સાથે તેમણે ભારત સામે એક જ કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ, વનડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.આકાશ દીપે ફિલિપ્સને બોલ્ડ કરીને આ મોટી ભાગીદારીનો અંત લાવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડની સ્થિતિ ઘણી મજબૂત બની ગઈ હતી.

https://x.com/BCCI/status/2123597816618795040?a=4YWKYYFGbNVAB-hrfpk&s=20


નિકોલ્સ 175 રન બનાવી અણનમ રહ્યા

ગ્લેન ફિલિપ્સના આઉટ થયા બાદ પણ હેનરી નિકોલ્સે પોતાની બેટિંગ ચાલુ રાખી હતી. તેમણે નાથન સ્મિથ સાથે 7મી વિકેટ માટે 32 રન ઉમેર્યા હતા. ત્યારબાદ આકાશ દીપ અને બુમરાહે પણ વિકેટ ઝડપી હતી.ન્યૂઝીલેન્ડે 348 રનના સ્કોર પર પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ નિકોલ્સે જેકબ ડફી સાથે છેલ્લી વિકેટ માટે વધુ 20 રન જોડ્યા હતા. અંશુલ કંબોજે ડફીને 4 રને આઉટ કરીને ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગનો અંત લાવ્યો હતો.હેનરી નિકોલ્સ 175 રન બનાવી અણનમ રહ્યા હતા. તેમણે પોતાની ઇનિંગમાં 21 ચોગ્ગા ફટકાર્યા હતા.

બુમરાહ ભારતના સૌથી સફળ બોલર

ભારત તરફથી જસપ્રીત બુમરાહે 29 ઓવરમાં 92 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આકાશ દીપે 23 ઓવરમાં 53 રન આપીને 3 વિકેટ લીધી હતી. અંશુલ કંબોજને 2 વિકેટ મળી હતી.પ્રસિદ્ધ કૃષ્ણાએ 26 ઓવરમાં 100 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર 20 ઓવર બોલિંગ કરવા છતાં એક પણ વિકેટ મેળવી શક્યા નહોતા.આ રીતે ન્યૂઝીલેન્ડે શરૂઆતની નબળી સ્થિતિમાંથી બહાર આવીને ભારત સામે 368 રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો છે.

આ પણ વાંચો - IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સનો મોટો દાવ! ભારતના વર્લ્ડ કપ વિજેતા કોચને ટીમમાં લાવવાની તૈયારી