ન્યૂઝીલેન્ડના માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર 15 નવેમ્બરે રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડની પાંચમી અને અંતિમ વનડેમાં અંપાયરોની બેદરકારી ચર્ચાનો વિષય બની છે. ભારતીય ઇનિંગ્સ દરમિયાન ડ્રિંક્સ બ્રેક પહેલાં અક્ષર પટેલે ઓવરના છેલ્લા બોલે એક રન લીધો હતો. નિયમ પ્રમાણે ત્યાર બાદની ઓવરમાં અક્ષર સ્ટ્રાઇક પર હોવો જોઈતો હતો, પરંતુ રમત ફરી શરૂ થઈ ત્યારે શ્રેયસ અય્યર સ્ટ્રાઇક પર આવી ગયો. મેદાન પરના બંને અંપાયર અને થર્ડ અંપાયર પણ આ ભૂલ પકડી શક્યા નહોતા. 

14મી ઓવર બાદ બદલાઈ ગઈ સ્ટ્રાઇક

આ ઘટના ન્યૂઝીલેન્ડના બોલર બ્લેર ટિકનરની 14મી ઓવરના છેલ્લા બોલે બની હતી. અક્ષર પટેલે આ બોલ પર એક રન લીધો હતો. ત્યાર બાદ ડ્રિંક્સ બ્રેક પડ્યો હતો. વિરામ બાદ જ્યારે રમત ફરી શરૂ થઈ ત્યારે 15મી ઓવરની પહેલી બોલનો સામનો અક્ષરની જગ્યાએ શ્રેયસ અય્યરે કર્યો હતો. આ રીતે ખોટા બેટરને સ્ટ્રાઇક મળી ગઈ અને મેચ આગળ વધતી રહી. આ ભૂલ કોઈના ધ્યાનમાં ન આવતાં મેદાન પર જ તેને સુધારવાની તક પણ ગુમાઈ ગઈ. 

મેદાન અને થર્ડ અંપાયરથી પણ ચૂકી ભૂલ

આ મેચમાં મેદાન પર પૉલ રેફેલ અને વેન નાઇટ્સ અંપાયરની ભૂમિકા ભજવી રહ્યા હતા. જ્યારે થર્ડ અંપાયર તરીકે કુમાર ધર્મસેના જવાબદારી સંભાળી રહ્યા હતા. જોકે, ત્રણેય અંપાયરોની નજર આ ભૂલ પર પડી નહોતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક બોલ અને ઓવરની સ્થિતિ પર અંપાયરોની નજર રહેવી જરૂરી છે. ખાસ કરીને ડ્રિંક્સ બ્રેક જેવા વિરામ બાદ રમત શરૂ થાય ત્યારે સ્ટ્રાઇક પર યોગ્ય બેટર છે કે નહીં તેની ખાતરી કરવી મહત્ત્વની હોય છે. આ ઘટનાએ અંપાયરોની સતર્કતા સામે સવાલ ઊભા કર્યા છે. 

મેચના પ્રસારણમાં પણ આવી મુશ્કેલી

મેચ દરમિયાન બે ઓવલ મેદાન પર વીજળી ગુલ થવાની ઘટના પણ બની હતી. તેના કારણે પ્રસારણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને ટીવી દર્શકોને થોડા સમય માટે મેચનું લાઇવ પ્રસારણ જોવામાં મુશ્કેલી પડી હતી. અહેવાલો અનુસાર, બેકઅપ જનરેટર શરૂ થવામાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો હતો. 

ભારતની બેટિંગ પણ રહી નિરાશાજનક

મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટિંગ ફરી એકવાર નિષ્ફળ રહી હતી અને આખી ટીમ 42.1 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલ અને ઈશાન કિશને 46-46 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને મિચેલ સેન્ટનરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: IND VS PAK: પાકિસ્તાન પણ ભારતીય યુવા ખેલાડીનું મુરીદ, મોહિત ઉલ્વા પર શોએબ અખ્તરનું મોટું નિવેદન