ભારતે પાકિસ્તાનને હરાવી અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો ત્યારથી મોહિત ઉલ્વાની ચર્ચા થઈ રહી છે. ફાઇનલમાં નંબર-10 પર બેટિંગ કરવા ઉતરેલા મોહિતે 26 બોલમાં અણનમ 49 રન ફટકારીને ભારતને યાદગાર જીત અપાવી હતી. હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર શોએબ અખ્તરે પણ આ યુવા ખેલાડીના વખાણ કર્યા છે. ખાસ કરીને મોહિતે વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમની જીતને મહત્ત્વ આપવાની વાત કરી હતી, તેનાથી અખ્તર ખૂબ પ્રભાવિત થયા હતા.
‘મારે 50 કે 100 નહીં, મેચ જીતાડવી છે’
શોએબ અખ્તરે પાકિસ્તાની ટીવી કાર્યક્રમમાં મોહિતની વિચારધારાની પ્રશંસા કરી હતી. મોહિતને એક મુલાકાત દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તે સારો બેટર હોવા છતાં નંબર-10 પર કેમ બેટિંગ કરે છે? ઉપરના ક્રમે આવીને અડધી સદી કે સદી કેમ નથી ફટકારતો? આ સવાલના જવાબમાં મોહિતે કહ્યું હતું કે તેને 50 કે 100 રન બનાવવાનો હેતુ નથી. તેનું લક્ષ્ય પોતાની ટીમને જીત અપાવવાનું અને નીચલા ક્રમે આવીને મેચ પૂરી કરવાનું છે. મોહિતના આ જવાબ અંગે અખ્તરે કહ્યું કે, આટલી નાની ઉંમરના ખેલાડીની વિચારધારા આશ્ચર્યજનક છે. તે વ્યક્તિગત રેકોર્ડ પાછળ નહીં, પરંતુ ટીમની જીત માટે રમે છે. અખ્તરે એમ પણ કહ્યું કે આ જ વિચારધારા સાથે મોહિત આગળ જતાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી શકે છે.
‘મને ખબર નહોતી કે મોહિત કોણ છે’
અખ્તરે મોહિતની હિંમતની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પહેલાં તેમને મોહિત કોણ છે તેની જાણ નહોતી, પરંતુ ફાઇનલમાં તેણે જે સાહસ બતાવ્યું તે જોઈને તેઓ પ્રભાવિત થયા છે. અશક્ય લાગતા લક્ષ્યનો પીછો કરતી વખતે મોહિતે દબાણમાં જે રીતે બેટિંગ કરી તે ખરેખર વખાણવા જેવી હતી. અખ્તરે ભારતીય ટીમને જીત બદલ અભિનંદન પણ આપ્યાં હતાં. તેમના મતે, મોહિતની સફળતા પાછળ તેની ટીમ માટે કંઈક કરી બતાવવાની ભાવના મહત્ત્વની રહી.
338 રનના લક્ષ્ય સામે મોહિતની મેચ વિનિંગ ઇનિંગ્સ
ઓમાનમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 338 રનનો પડકાર મળ્યો હતો. એક સમયે ભારતીય ટીમ 252 રન પર 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. આ સ્થિતિમાં મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ નવમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. મનલ 32 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે મોહિતે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા. છેલ્લી બોલે ભારતને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી. મોહિતે ચોગ્ગો ફટકારીને ભારતને એક વિકેટથી જીત અપાવી હતી.
મોહિતની ચર્ચા પાકિસ્તાનમાં પણ
ભારતની આ જીત અને મોહિતની ઇનિંગ્સની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાનમાં પણ થઈ રહી છે. શોએબ અખ્તર જેવા પૂર્વ દિગ્ગજ ખેલાડીએ મોહિતની રમતની સાથે તેની વિચારધારાને પણ બિરદાવી છે. મોહિતે પોતાની ઇનિંગ્સથી સાબિત કર્યું કે ટીમને જીતાડવા માટે વ્યક્તિગત રેકોર્ડ કરતાં મેચની પરિસ્થિતિને મહત્ત્વ આપવું કેટલું જરૂરી છે.
આ પણ વાંચો: Video: ભારતની શાનદાર જીત પર ઓવૈસીનો પંચ: પાકિસ્તાનને ઘેરતા કહ્યું, 'હમારે બચ્ચે સે તો જીત નહીં શકતે !