ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો ઉત્સાહ મેદાન પૂરતો મર્યાદિત રહ્યો નથી. અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યા બાદ રાજકીય મંચ પર પણ આ જીતની ચર્ચા થઈ હતી. AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ભારતીય યુવા ખેલાડીઓને અભિનંદન આપ્યાં અને પાકિસ્તાન પર કટાક્ષ કર્યો હતો. તેમના નિવેદન પર રેલીમાં હાજર લોકોએ તાળીઓ પાડી હતી.
‘બાળકોને હરાવી શકતા નથી તો મોટાઓ સામે શું કરશો?’
મેરઠની રેલીમાં ઓવૈસીએ કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે અને આપણા બાળકોએ અંડર-19 એશિયા કપમાં તેમને માત આપી છે. તેમણે ભારતીય ખેલાડીઓને અભિનંદન આપતાં પાકિસ્તાનને ટોણો માર્યો હતો. ઓવૈસીએ કહ્યું, “તમે અમારા બાળકોને પણ હરાવી શકતા નથી, તો પછી મોટાઓ સાથે શું મુકાબલો કરશો?” તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. AIMIMના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ આ નિવેદનનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
https://x.com/aimim_national/status/2121840510281421045?a=TOqz4PhfxcJub-jBRgI&s=20
છેલ્લી બોલે ભારતે જીતી હતી ફાઇનલ
આ પહેલાં 14 નવેમ્બરે ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 339 રન બનાવી લીધા હતા. આ સાથે ભારતે એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. ભારત તરફથી કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 80 રન અને આર્યવીર સહેવાગે 58 રન બનાવ્યા હતા. જોકે, એક સમયે ભારતનો સ્કોર 252 રન પર 8 વિકેટ હતો અને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
મનલ અને મોહિતે પલટી નાખી બાજ
મુશ્કેલ સ્થિતિમાં મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ નવમી વિકેટ માટે 57 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. મનલે 32 બોલમાં 47 રન બનાવ્યા હતા, જ્યારે મોહિતે 26 બોલમાં અણનમ 49 રન ફટકાર્યા હતા. છેલ્લી બોલે ભારતને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી. મોહિતે અહમદ હુસૈનની બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને યાદગાર જીત અપાવી હતી. ભારતે આ સાથે નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
ઓવૈસીના નિવેદનનો વીડિયો વાયરલ
ઓવૈસીના નિવેદન બાદ રેલીમાં હાજર લોકોએ તાળીઓ પાડીને પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો હતો. ભારતની જીત બાદ ઓવૈસીએ આપેલું આ નિવેદન ક્રિકેટ અને રાજકીય ચર્ચા બંનેમાં ધ્યાન ખેંચી રહ્યું છે.
આ પણ વાંચો: IND vs NZ 5th ODI : રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 22 રને હરાવ્યું, અર્શદીપ સિંહે કર્યો કમાલ