પાકિસ્તાન સામે અંડર-19 એશિયા કપની ફાઇનલમાં છેલ્લી બોલે રોમાંચક જીત મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓના જશ્નને લઈને વિવાદ ઊભો થયો છે. કેટલાક ખેલાડીઓ પાકિસ્તાની ક્રિકેટરો સામે આક્રમક હાવભાવ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વર્તનની ટીકા થઈ રહી છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવિજિત સૈકિયાએ યુવા ખેલાડીઓનો બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી મેચ જીત્યા બાદ ખેલાડીઓને પોતાની ખુશી વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે.
BCCI સચિવે શું કહ્યું?
પત્રકાર દ્વારા દેવિજિત સૈકિયાને ભારતીય ખેલાડીઓના આક્રમક જશ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે આ ઉજવણી ટીમના લડાયક સ્વભાવ અને આત્મવિશ્વાસને દર્શાવે છે. સૈકિયાના જણાવ્યા પ્રમાણે, મેચ દરમિયાન એક સમયે ભારતની જીતની શક્યતા ઘણી ઓછી દેખાતી હતી. તેમ છતાં ખેલાડીઓએ હાર ન માની અને છેલ્લી ઘડી સુધી લડત આપીને જીત મેળવી. આ ટીમના આત્મવિશ્વાસ અને ક્યારેય હાર ન માનવાની ભાવનાનું ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ખેલાડીઓ આટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી મેચ જીતે છે ત્યારે તેમને ઉજવણી કરવાનો અધિકાર છે. આવી ખુશી વ્યક્ત કરવાની છૂટ આપવી જોઈએ.
જશ્નનો વીડિયો કેમ બન્યો વિવાદનું કારણ?
14 નવેમ્બરે ઓમાનના અલ અમરાતમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન કરીને એક વિકેટે જીત મેળવી હતી. છેલ્લી બોલે ભારતને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી. મોહિત ઉલ્વાએ અહમદ હુસૈનની બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારબાદ ભારતીય ખેલાડીઓ મેદાનમાં દોડી આવ્યા હતા અને જોરદાર ઉજવણી કરી હતી. જોકે, ઉજવણી દરમિયાન કેટલાક ખેલાડીઓ પાકિસ્તાની વિકેટકીપર હમઝા ઝહૂર અને અન્ય ખેલાડીઓ તરફ આક્રમક હાવભાવ કરતા જોવા મળ્યા હતા. મોહિત ઉલ્વા અને સી. વેંકટના કેટલાક હાવભાવના વીડિયો પણ સામે આવ્યા હતા. ભારતીય સપોર્ટ સ્ટાફના સભ્યોએ ખેલાડીઓને શાંત પાડીને ત્યાંથી દૂર કર્યા હતા.
સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાયા લોકો
ભારતીય ખેલાડીઓના જશ્ન બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ચાહકોએ છેલ્લી બોલ સુધી લડત આપીને જીત મેળવવા બદલ ખેલાડીઓની પ્રશંસા કરી છે. બીજી તરફ, કેટલાક લોકોએ જીતની ઉજવણીમાં વિરોધી ટીમના ખેલાડીઓ સામે કરવામાં આવેલા હાવભાવને રમતની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યા છે. વિવાદ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે પણ ખેલાડીઓના વર્તન અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખેલાડીઓ માત્ર પોતાના દેશનું જ નહીં, પરંતુ પોતાના ઉછેર અને સંસ્કારોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. જીત હોય કે હાર, ખેલાડીઓએ સન્માન અને સંયમ જાળવવો જોઈએ.
છેલ્લી બોલની જીતે ફરી અપાવી ટ્રોફી
ભારતની જીતમાં મોહિત ઉલ્વા અને મનાલ ચૌહાણની ભૂમિકા મહત્ત્વની રહી હતી. મનાલે 32 બોલમાં 47 રન બનાવ્યા હતા, જ્યારે મોહિતે 26 બોલમાં અણનમ 49 રન ફટકાર્યા હતા. બંનેએ નવમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી.
મનાલ આઉટ થયા બાદ સી. વેંકટે મોહિતને સાથ આપ્યો હતો. તેણે આઠ બોલમાં અણનમ 11 રન બનાવ્યા હતા. અંતે મોહિતના ચોગ્ગાથી ભારતે એક વિકેટે જીત મેળવીને એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જોકે, આ ઐતિહાસિક જીત બાદની ઉજવણી હવે ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: ‘Sandpaper Scandalમાં આખી ટીમને ખબર હતી’, ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલરનો મોટો દાવો