ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચની રાહ જોતા ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા પૈકીના એક ભારત-પાકિસ્તાન સામસામે મુકાબલાને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એક મોટા આયોજન પર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICC બંને ટીમો વચ્ચે ICC અને ACCની સ્પર્ધાઓ સિવાય પણ મેચ યોજવાનો રસ્તો શોધી રહ્યું છે.આ યોજના હેઠળ ટ્રાઇ-સિરીઝ અથવા ક્વાડ્રાંગ્યુલર વ્હાઇટ-બોલ ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે. ટ્રાઇ-સિરીઝમાં 3 ટીમો જ્યારે ક્વાડ્રાંગ્યુલર ટૂર્નામેન્ટમાં 4 ટીમો ભાગ લે છે. આ પ્રકારની સ્પર્ધાના આયોજનથી ભારત અને પાકિસ્તાનને તટસ્થ સ્થળે એકબીજા સામે રમવાની તક મળી શકે છે.

ભારત-પાકિસ્તાનને લઈને ICCનો શું પ્લાન છે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાઈ નથી.બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને કારણે દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન મુશ્કેલ બન્યું છે જોકે બંને ટીમો બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમતી રહી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, ICC આ પ્રસ્તાવને ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ એટલે કે FTPની બેઠકમાં રજૂ કરી શકે છે.આ મહત્વપૂર્ણ બેઠક 22 અને 23 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાવાની છે.બેઠકમાં 12 ટેસ્ટ રમતા દેશો અને 8 એસોસિયેટ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે.જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC તથા ACCની મોટી સ્પર્ધાઓ ઉપરાંત પણ વ્હાઇટ-બોલ ક્રિકેટમાં મુકાબલો જોવા મળી શકે છે.

IND vs PAK

2012-13 પછી દ્વિપક્ષીય મેચની રાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012-13માં રમાઈ હતી. તે સમયે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને બંને ટીમો વચ્ચે 2 T20 અને 3 વનડે મેચ રમાઈ હતી.ત્યારથી બંને ટીમો મુખ્યત્વે વનડે વર્લ્ડ કપ,T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જેવી બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જ સામસામે આવી છે. તાજેતરમાં શ્રીલંકામાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ 2026માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં ભારતે 61 રનથી શાનદાર જીત મેળવી હતી.હવે ICCનો નવો પ્રસ્તાવ અમલમાં આવે છે તો બંને દેશોના ચાહકોને વધુ વખત ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળી શકે છે.

UAE, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા દાવેદાર

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે તટસ્થ સ્થળની પસંદગી મહત્વપૂર્ણ રહેશે. અહેવાલો અનુસાર UAE, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને આ પ્રકારની શ્રેણીના આયોજન માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.ભારતીય સરકાર સામાન્ય રીતે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણીની મંજૂરી આપતી નથી. જોકે બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને ટીમો રમતી રહી છે. આ સ્થિતિમાં ટ્રાઇ-સિરીઝ અથવા 4 ટીમોની સ્પર્ધા બંને દેશો વચ્ચે નિયમિત મુકાબલા યોજવાનો એક વિકલ્પ બની શકે છે.આવી સ્પર્ધાથી બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સને પણ મોટો લાભ મળી શકે છે. ભારત-પાકિસ્તાનની મેચને કારણે દર્શકોની સંખ્યા અને વ્યાપારી રસ બંનેમાં મોટો વધારો થવાની શક્યતા છે. તેથી ICC માટે પણ આ ફોર્મેટ આકર્ષક બની શકે છે.જો આ યોજના આગળ વધે છે તો ભારત-પાકિસ્તાનની ક્રિકેટ હરીફાઈને નવો રંગ મળી શકે છે અને ચાહકોને દર વર્ષે બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવાની તક મળી શકે છે.

આ પણ વાંચો - ICCનો મોટો પ્લાન! હવે ટ્રાઇ-સિરીઝમાં પણ ભારત-પાકિસ્તાન ટકરાશે?