ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ 2026માં રોમાંચક મુકાબલો રમાઈ રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પાકિસ્તાનના ઝડપી બોલર અલી રઝાએ મેચની બીજી જ બોલે ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીને ક્લીન બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો આપ્યો હતો. ખાસ વાત એ છે કે અલી રઝા એ જ બોલર છે જેણે અગાઉના અંડર-19 એશિયા કપની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો હતો. તે સમયે બંને ખેલાડીઓ વચ્ચે મેદાન પર બોલાચાલી પણ થઈ હતી.

અલી રઝાની ખતરનાક બોલિંગ, બીજા જ બોલે ઉડાવ્યા સ્ટમ્પ

પાકિસ્તાની ઝડપી બોલર અલી રઝાએ પોતાની બોલિંગની શાનદાર રણનીતિથી ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીને ફસાવી દીધા હતા.અલી રઝાએ પ્રથમ બોલ ગુડ લેન્થથી થોડો ટૂંકો અને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. આ બોલ બહારની તરફ ગયો હતો. ત્યારબાદ બીજી જ બોલે તેણે એ જ લેન્થ અને લગભગ એ જ લાઇનથી બોલ ફેંક્યો, પરંતુ આ વખતે બોલ અંદરની તરફ આવ્યો હતો.લક્ષ્ય રાયચંદાનીને લાગ્યું કે બોલ અગાઉની જેમ બહારની તરફ જશે, પરંતુ બોલ અંદરની તરફ સ્વિંગ થયો અને સીધો સ્ટમ્પ સાથે અથડાયો હતો. પરિણામે ભારતીય કેપ્ટનને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.ભારત માટે આ મોટો ઝટકો હતો, કારણ કે લક્ષ્ય સારી લયમાં હતા. નેપાળ સામેની અગાઉની મેચમાં તેમણે અણનમ અડધી સદી ફટકારી હતી. તેથી પાકિસ્તાન સામે પણ તેમની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખવામાં આવી રહી હતી.

https://x.com/MianAhmad_56/status/2119297034754932834?a=06KrJYNf2DZ9e_IbYK8&s=20

વૈભવ સૂર્યવંશીને આઉટ કરીને ચર્ચામાં આવ્યો હતો અલી રઝા

અલી રઝાનું નામ ભારતીય ચાહકો માટે નવું નથી. ગયા અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પણ આ પાકિસ્તાની બોલરે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા.તે મુકાબલામાં વૈભવ સૂર્યવંશી આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. જોકે, અલી રઝાની બોલિંગ સામે તે ટકી શક્યો નહોતો અને 26 રન બનાવીને આઉટ થયો હતો.વૈભવની વિકેટ લીધા બાદ બંને ખેલાડીઓ વચ્ચે મેદાન પર બોલાચાલી પણ થઈ હતી. આ મેચમાં અલી રઝા અને સમીર મિન્હાસના પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી.હવે ફરી એકવાર ભારત સામે અલી રઝાએ પોતાની બોલિંગનો જાદુ બતાવ્યો છે. આ વખતે તેણે ભારતીય કેપ્ટનને શરૂઆતમાં જ આઉટ કરીને પાકિસ્તાનને મોટી સફળતા અપાવી હતી.

કોણ છે અલી રઝા? 140થી વધુની ઝડપે કરે છે બોલિંગ

પાકિસ્તાનનો ઝડપી બોલર અલી રઝા અંડર-19 ક્રિકેટમાં સારો અનુભવ ધરાવે છે. તે ત્રીજી વખત અંડર-19 એશિયા કપમાં ભાગ લઈ રહ્યો છે. નાની ઉંમરે જ તેણે પોતાની ઝડપી બોલિંગથી અલગ ઓળખ બનાવી છે.તેની બોલિંગની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે હોવાનું કહેવાય છે. અલી રઝા પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝલ્મી તરફથી રમે છે. આ ઉપરાંત ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તે રાવલપિંડીનું પ્રતિનિધિત્વ કરે છે.અલી રઝાએ અત્યાર સુધી 8 ફર્સ્ટ ક્લાસ મેચમાં 34 વિકેટ ઝડપી છે. તેની ઝડપ, સ્વિંગ અને બોલિંગમાં વિવિધતા તેને પાકિસ્તાનના ઉભરતા ઝડપી બોલરોમાં સ્થાન અપાવે છે.

આ પણ વાંચો - Hardik Pandya Diwali Celebration: માહિકા અને દીકરા અગસ્ત્ય સાથે હાર્દિક પંડ્યાએ કરી પૂજા, જુઓ PHOTOS