ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની જંગ ફરી એકવાર જામવાની છે. આ વખતે બંને દેશોની ટક્કર મેન્સ અંડર-19 એશિયા કપમાં જોવા મળશે. ઓમાનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાને પોતાની શરૂઆત જીત સાથે કરી છે. હવે બંને ટીમો વચ્ચે  આજે હાઈ-પ્રોફાઇલ મુકાબલો રમાશે. આ મેચમાં ભારતીય યુવા ઓપનર આર્યવીર સહવાગ અને પાકિસ્તાનના ઝડપી બોલર અલી રઝા વચ્ચેની ટક્કર પર ખાસ નજર રહેશે.

ભારત પાસે હિસાબ સરભર કરવાની તક 

ભારત માટે આ મુકાબલો માત્ર જીત મેળવવાની તક નથી, પરંતુ ગત વર્ષની હારનો હિસાબ સરભર કરવાની તક પણ છે. ગયા વર્ષે અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. આ ફાઇનલમાં ભારતીય ટીમને 191 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે વૈભવ સૂર્યવંશી જેવા પ્રતિભાશાળી બેટ્સમેન પણ ભારતીય ટીમનો ભાગ હતા, તેમ છતાં ટીમને હારથી બચાવી શકાઈ નહોતી. હવે યુવા ભારતીય ખેલાડીઓ પાસે પાકિસ્તાન સામે જીત મેળવી જૂની હારનો બદલો લેવાની તક છે.

આર્યવીર સહવાગ પર રહેશે સૌની નજર

પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય બેટિંગની સૌથી મોટી આશા આર્યવીર સહવાગ હશે. પૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહવાગના દીકરા આર્યવીરે પ્રથમ મેચમાં પોતાની બેટિંગની પ્રતિભા બતાવી દીધી છે.નેપાળ સામેની પ્રથમ મેચમાં આર્યવીરે માત્ર 52 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા. તેમની આક્રમક ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેમના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમે 129 રનનો લક્ષ્યાંક માત્ર 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.આ મેચમાં ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ પણ અણનમ 53 રન બનાવ્યા હતા. આર્યવીર અને લક્ષ્યની આ ઓપનિંગ જોડીએ પાકિસ્તાન સામે પણ આવી જ શાનદાર શરૂઆત અપાવવી પડશે. ખાસ કરીને આર્યવીર માટે આ મેચ પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની શકે છે.

ભારતીય બોલરો પણ બતાવી ચૂક્યા છે તાકાત

ભારતીય ટીમની તાકાત માત્ર બેટિંગ પૂરતી સીમિત નથી. પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝડપી બોલર ઈશાન સૂદે નેપાળ સામે 10 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.આ ઉપરાંત મોહિત ઉલ્વા પાસેથી નવી બોલથી સારા પ્રદર્શનની આશા રહેશે. જ્યારે યશવીર ગૌડ અને અર્જુન રાજપૂતની સ્પિન જોડી મધ્યની ઓવરોમાં પાકિસ્તાની બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

અલી રઝા બનશે આર્યવીર માટે મોટો પડકાર

પાકિસ્તાન સામે ભારતીય બેટ્સમેનોની કસોટી આસાન નહીં હોય. પાકિસ્તાનનો ઝડપી બોલર અલી રઝા ભારતીય ટોપ ઓર્ડર માટે મોટો પડકાર બની શકે છે.અલી રઝા ગયા વર્ષે પણ અંડર-19 એશિયા કપમાં રમ્યો હતો. ખાસ કરીને ભારત સામેની ફાઇનલમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. વૈભવ સૂર્યવંશી સહિત 4 ભારતીય બેટ્સમેનોને આઉટ કરીને તેણે પાકિસ્તાનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.આ વખતે પણ અલી રઝા ભારતીય બેટિંગને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે. બીજી તરફ આર્યવીર સહવાગે તેની સામે સંભાળીને અને આક્રમક અંદાજમાં રમવું પડશે.

પાકિસ્તાનની બેટિંગમાં પણ છે મોટો દમ

પાકિસ્તાનની ટીમને હળવાશથી લેવાની ભૂલ ભારત કરી શકે નહીં. તેના ઓપનર ઉસ્માન ખાને પ્રથમ મેચમાં UAE સામે 139 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત જહાંગીર બિલાલ અને અબ્દુલ કાદિર પણ પાકિસ્તાનના બેટિંગ ક્રમના મહત્ત્વના ખેલાડીઓ છે.આવા સંજોગોમાં ભારતીય બોલરોએ શરૂઆતથી જ વિકેટ મેળવવા પર ધ્યાન આપવું પડશે. બંને ટીમો પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ હોવાથી આ મુકાબલો રોમાંચક બની શકે છે.

આ પણ  વાંચો - IPL 2027: ફાઈનલ સોદો, હાર્દિક પંડ્યા પંજાબ જશે, અર્શદીપ સિંહ મુંબઈમાં આવશે !