IPL 2027ની સિઝન પહેલાં જ ક્રિકેટ જગતમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળી શકે છે. તેના બદલામાં પંજાબનો ઝડપી બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાઈ શકે છે. આ બંને ટીમો વચ્ચે ખેલાડીઓની અદલાબદલીની વાતચીત લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અહેવાલો પ્રમાણે, મુંબઈ અને પંજાબની ટીમોએ આ સોદા માટે BCCI સમક્ષ પોતાની સંમતિ દર્શાવતા દસ્તાવેજો રજૂ કર્યા છે. બંને ખેલાડીઓની સંમતિ પણ મળી ગઈ હોવાના અહેવાલ છે. જોકે, સોદો સત્તાવાર રીતે નક્કી થયો હોવાનું કહેવા માટે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલની અંતિમ મંજૂરી જરૂરી છે. 

મુંબઈને અર્શદીપની જરૂર કેમ?

મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી મોટો પડકાર તેની બોલિંગ રહી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ જેવો અનુભવી બોલર છે, પરંતુ તેની સાથે ડાબા હાથના ભારતીય ઝડપી બોલરની હાજરી ટીમને વધુ મજબૂત બનાવી શકે છે. અર્શદીપ નવી બોલથી વિકેટ લેવામાં અને છેલ્લી ઓવરોમાં રન રોકવામાં સારો અનુભવ ધરાવે છે. તે પાવરપ્લે અને ડેથ ઓવર્સ બંનેમાં બોલિંગ કરી શકે છે. જો તે મુંબઈમાં જોડાશે તો બુમરાહ સાથે તેની જોડી ટીમની બોલિંગને નવી તાકાત આપી શકે છે. અર્શદીપ 2019થી પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો છે. IPLમાં તેણે અત્યાર સુધી 96 મેચમાં 111 વિકેટ લીધી છે. આ સોદો થાય તો પહેલીવાર તે પંજાબ સિવાયની ટીમ તરફથી IPL રમશે. 

પંજાબને હાર્દિકથી શું ફાયદો થશે?

પંજાબ કિંગ્સને એવા ખેલાડીની જરૂર છે જે બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે. હાર્દિક પંડ્યા આ જરૂરિયાત પૂરી કરી શકે છે. તે મધ્યમ ક્રમમાં ઝડપી રન બનાવી શકે છે અને જરૂર પડે ત્યારે બોલિંગ પણ કરી શકે છે. પંજાબની ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર જ રહેશે તેવી શક્યતા છે. એટલે હાર્દિક પંજાબમાં કેપ્ટન તરીકે નહીં, પરંતુ એક મહત્વના ઓલરાઉન્ડર તરીકે જોડાઈ શકે છે. 

મુંબઈમાં રોહિત શર્માની વાપસી થશે?

હાર્દિક પંડ્યા મુંબઈ છોડે તો ટીમની કેપ્ટનશિપમાં પણ ફેરફાર થઈ શકે છે. અહેવાલો પ્રમાણે, રોહિત શર્મા ફરીથી મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળી શકે છે. જોકે, આ અંગે ટીમ તરફથી સત્તાવાર જાહેરાત થઈ નથી. હાર્દિક 2024માં ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈમાં પાછો આવ્યો હતો. તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેના નેતૃત્વમાં મુંબઈનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નહોતું. 2024માં ટીમ પોઇન્ટ ટેબલમાં છેલ્લે રહી હતી અને 2026માં 9મા સ્થાને રહી હતી. હવે આ સોદો થાય તો મુંબઈમાં નવો અધ્યાય શરૂ થઈ શકે છે. 

હાર્દિકની ફિટનેસ પણ મોટો મુદ્દો

હાર્દિક માટે પંજાબમાં જોડાવા સાથે ફિટનેસ પણ મોટો પડકાર રહેશે. ઈજાના કારણે તે IPL 2026 પછી સ્પર્ધાત્મક ક્રિકેટ રમી શક્યો નથી. તાજેતરમાં પગની ઈજાને કારણે તે ભારત Aની ઓસ્ટ્રેલિયા A સામેની શ્રેણી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બરોડાની ટીમમાં પણ સામેલ થઈ શક્યો નહોતો.

હાલમાં આ સોદાની અંતિમ મંજૂરી બાકી છે. બંને ટીમો વચ્ચેની અદલાબદલીને લીલી ઝંડી મળ્યા બાદ જ સત્તાવાર જાહેરાત થશે. જો આ સોદો નક્કી થાય તો IPL 2027 પહેલાંનો સૌથી મોટો ખેલાડી ફેરફાર બની શકે છે.

આ પણ વાંચો: IPLમાં બ્લોકબસ્ટર ટ્રેડના એંધાણ! અક્ષર પટેલના ટ્રેડની ચર્ચાએ પકડ્યું જોર!