ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચની ચર્ચા થાય ત્યારે મેદાનની ટક્કર કરતાં રાજકીય સંબંધોનો મુદ્દો પણ સામે આવે છે. બંને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012-13માં રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની સ્પર્ધાઓમાં જ એકબીજા સામે રમે છે. હવે આ મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દુબઈમાં DP World ILT20 લીગ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ફરી શરૂ કરવાનો નિર્ણય સરકાર જ લઈ શકે છે. સિદ્ધુએ તો ત્યાં સુધી કહ્યું કે જો સરકાર કોઈ કારણસર મેચ નહીં રમાડવાનો નિર્ણય લે છે, તો તેની પાછળનાં કારણો ગૃહ મંત્રાલય જાણે છે. તેમના આ નિવેદનથી ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે બંને દેશો વચ્ચે ક્રિકેટના દરવાજા ક્યારે ખુલશે?
'રાજકીય નિર્ણય સરકાર જ લેશે'
નવજોત સિંહ સિદ્ધુ હાલમાં દુબઈમાં યોજાઈ રહેલી DP World ILT20 લીગમાં કોમેન્ટરી કરી રહ્યા છે. અહીં પત્રકારોએ તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી શરૂ થવાની સંભાવના અંગે સવાલ પૂછ્યો હતો. જવાબમાં સિદ્ધુએ કહ્યું, "રાજકીય મામલા રાજકીય હોય છે. આ અંગે જે પણ નિર્ણય લેવાનો હશે, તે સરકાર જ લેશે." તેમણે ઉમેર્યું કે સરકાર જનતા દ્વારા ચૂંટાયેલી છે અને તેને નિર્ણય લેવાનો અધિકાર છે. સિદ્ધુએ વધુમાં કહ્યું કે જો સરકાર કોઈ ચોક્કસ કારણસર ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાડવાનો નિર્ણય લે છે, તો તેની પાછળનાં કારણો ગૃહ મંત્રાલય જાણે છે. તેમના મતે, જ્યારે સરકારને લાગશે કે બંને દેશો વચ્ચેનું અંતર ઘટાડવાનો સમય આવી ગયો છે, ત્યારે ક્રિકેટને આ દિશામાં એક માધ્યમ બનાવી શકાય છે.
