એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર વેસ્ટ ઈન્ડીઝ સામેની 5 મેચની T20I શ્રેણી પર છે. સીરિઝની પ્રથમ મેચ આજે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. ફાઇનલમાં અભિષેક શર્મા અને તિલક વર્માએ બેટથી મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે શિવમ દુબેએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.
શ્રેયસ ઐયર સામે મોટો પડકાર
વેસ્ટ ઈન્ડીઝ સામેની T20I શ્રેણીમાં શ્રેયસ ઐયર ભારતીય ટીમની કમાન સંભાળશે. એશિયન ગેમ્સમાં પણ અય્યરની કેપ્ટનશિપમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.હવે અય્યર સામે વેસ્ટ ઈન્ડીઝને હરાવીને T20I શ્રેણીની શરૂઆત જીત સાથે કરવાનો પડકાર છે. જોકે કેરેબિયન ટીમને હળવાશથી લેવી ટીમ ઈન્ડિયા માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે.તાજેતરમાં રમાયેલી ODI શ્રેણી ભારતે 2-1થી જીતી હતી, પરંતુ ત્રીજી ODIમાં વેસ્ટ ઈન્ડીઝે શાનદાર વાપસી કરીને ભારતને હરાવ્યું હતું. તેથી મહેમાન ટીમ T20I શ્રેણીમાં પણ મજબૂત વાપસી કરવા માટે ઉતરશે.
