ભારતીય ક્રિકેટ ટીમમાં ફરી એકવાર ઋતુરાજ ગાયકવાડની વાપસીના સંકેતો મળી રહ્યા છે. અહેવાલો અનુસાર શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી 3 મેચની વનડે શ્રેણી માટે પસંદગીકારો ઋતુરાજ ગાયકવાડના નામ પર વિચાર કરી શકે છે. જો તેમને તક મળે છે, તો લાંબા સમય બાદ ગાયકવાડ ફરી ભારતીય વનડે ટીમની જર્સીમાં જોવા મળી શકે છે.ઋતુરાજ ગાયકવાડ છેલ્લે ડિસેમ્બર 2025માં ભારતીય ટીમનો ભાગ બન્યા હતા. તે સમયે તેમને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ટીમ ઈન્ડિયામાં વાપસી માટે રાહ જોઈ રહ્યા છે. હવે શ્રેયસ ઐયરની ગેરહાજરી તેમના માટે નવી તક બની શકે છે.

શ્રેયસ ઐયર વેસ્ટ ઈન્ડિઝ સામે કેમ નહીં રમે?

વનડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને ભારત માટે દરેક વનડે મેચ મહત્વની બની રહી છે.આવી સ્થિતિમાં શ્રેયસ ઐયર વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાંથી કેમ બહાર રહેશે તે સવાલ સ્વાભાવિક છે.તેનું મુખ્ય કારણ એશિયન ગેમ્સ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી દરમિયાન જ એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. આ સ્પર્ધામાં ભારતીય ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે.આ કારણે અય્યર વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રમવાને બદલે એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી શકે છે. તેમની ગેરહાજરીમાં પસંદગીકારો વનડે ટીમમાં યોગ્ય વિકલ્પ શોધી રહ્યા છે અને આ રેસમાં ઋતુરાજ ગાયકવાડનું નામ આગળ આવ્યું છે.

https://x.com/CricCrazyJohns/status/2098954935660654601?s=20

ગાયકવાડ પાસે મોટી તક

ઋતુરાજ ગાયકવાડ લાંબા સમયથી ભારતીય ટીમમાં નિયમિત સ્થાન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. હવે જો તેમને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તક મળે છે, તો તેમના માટે પોતાને સાબિત કરવાની સારી તક હશે.ખાસ કરીને 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. આવી સ્થિતિમાં ગાયકવાડ પાસે મળેલી દરેક તક મહત્વની બની શકે છે.ગાયકવાડે સ્થાનિક ક્રિકેટ અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો છે. હવે તેમની નજર ભારતીય વનડે ટીમમાં મજબૂત વાપસી કરવા પર રહેશે.

આવું રહ્યું છે ગાયકવાડનું વનડે કરિયર

ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી ભારત માટે કુલ 9 વનડે મેચ રમી છે.આ દરમિયાન તેમણે 8 ઇનિંગ્સમાં 28.50ની સરેરાશથી કુલ 228 રન બનાવ્યા છે.તેમના વનડે કરિયરમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે. ગાયકવાડનો સર્વોચ્ચ સ્કોર 105 રન છે, જે તેમની વનડે કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ છે.હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે જો ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવે છે,તો તેમના માટે આ વાપસીનો મહત્વનો મોકો બની શકે છે.શ્રેયસ અય્યરની ગેરહાજરીએ તેમના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ફરી ખોલ્યા છે. હવે અંતિમ નિર્ણય પસંદગીકારોના હાથમાં રહેશે.

આ પણ વાંચો - ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર, શરમજનક હાર બાદ પાકિસ્તાનને મોટો ઝટકો