ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની રોમાંચક T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદના કારણે રદ થતાં બંને ટીમો શ્રેણી જીતવાની સુવર્ણ તક ગુમાવી બેઠી હતી. સિરીઝ પૂરી થયા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમના પ્રદર્શન અંગે મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટન અય્યરે ભારતીય બેટ્સમેનોની પ્રશંસા કરી છે, પરંતુ ટીમની નબળી બોલિંગ સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા બોલરોને આડે હાથ લીધા છે.

બીજી અને ચોથી T20 મેચમાં બોલરોએ બગાડી રમત: શ્રેયસ  ઐયર

પાંચમી મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ પોસ્ટ-મેચ ઇન્ટરવ્યૂમાં કેપ્ટન શ્રેયસ  ઐયરે ભારતીય ટીમની બોલિંગ લાઇન-અપની ખામીઓ પર મૌન તોડ્યું હતું. અય્યરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો ટીમના બોલરોએ બીજી અને ચોથી T20 મેચમાં વધુ સારું પ્રદર્શન કર્યું હોત તો આજે શ્રેણીનું પરિણામ તદ્દન અલગ હોત અને ટ્રોફી આપણા હાથમાં હોત.અય્યરે ઉમેર્યું કે બેટ્સમેનોએ પોતાનું કામ ખૂબ જ શાનદાર રીતે કર્યું અને બોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો, પરંતુ બોલિંગ વિભાગમાં હજુ પણ ઘણા મોટા સુધારાની જરૂર છે. આ સાથે જ ભારતીય કેપ્ટને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપની આક્રમક બેટિંગના વખાણ કર્યા હતા, જેણે આખી શ્રેણી દરમિયાન ભારતીય બોલરોને દબાણમાં રાખ્યા હતા.

રાંચીમાં બોલરો 250 રન પણ ન બચાવી શક્યા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ રાંચીમાં રમાઈ હતી. આ હાઈ-સ્કોરિંગ મેચમાં ભારતીય બેટ્સમેનોએ પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર રનનો પહાડ ખડકી દીધો હતો. જોકે, ભારતીય બોલરો આ વિશાળ સ્કોરનો બચાવ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલિંગ આક્રમણને વેરવિખેર કરીને 250 રનનો મુશ્કેલ લક્ષ્યાંક માત્ર 6 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો, જે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હતો.

https://x.com/mufaddal_vohra/status/2111507750509580551?s=20


ચોથી T20 મેચમાં પણ બોલરો રહ્યા બેઅસર

હૈદરાબાદમાં રમાયેલી ચોથી T20 મેચમાં પણ વાર્તા કંઈક આવી જ રહી હતી. આ મેચમાં વિન્ડીઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતીય બોલરોની લાઇન અને લેન્થ બગાડીને 247 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દબાણ હેઠળ રમી રહેલી ભારતીય ટીમ રન ચેઝ દરમિયાન લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી અને 24 રનથી મેચ હારી ગઈ હતી. આ બે મોટી હારના કારણે જ શ્રેણી 2-2ની બરાબરી પર આવી ગઈ હતી.

આગામી શ્રેણી પહેલા સુધારવી પડશે ભૂલો

કેપ્ટન અય્યરના આકરા વલણ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ માટે આગામી પ્રવાસોમાં ખાસ કરીને ડેથ ઓવર્સમાં રન રોકવાની ક્ષમતા અને બોલિંગની ગુણવત્તા પર સખત કામ કરવું પડશે. આગામી મેચોમાં આ ભૂલો સુધારીને ટીમ ઈન્ડિયા વધુ મજબૂત બોલિંગ આક્રમણ સાથે મેદાનમાં ઉતરે તે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો - Naman Dhirએ 400ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી! યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ