ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20I શ્રેણી હવે અત્યંત રોમાંચક મોડ પર આવી પહોંચી છે. પ્રથમ 4 મેચ બાદ શ્રેણી 2-2ની બરાબરી પર છે. હવે 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ શ્રેણીનો નિર્ણાયક અને પાંચમો મુકાબલો રમાશે. આ મેચ માત્ર સિરીઝ વિજેતા નક્કી કરવા પૂરતી સીમિત નથી, પરંતુ બંને ટીમો પાસે સંયુક્ત રીતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાની તક પણ છે.
માત્ર 23 છગ્ગા અને રચાશે નવો વિશ્વ રેકોર્ડ
આખી શ્રેણી દરમિયાન બંને ટીમોના બેટર્સે આક્રમક બેટિંગ કરીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો છે. ICCના પૂર્ણ સભ્ય દેશો વચ્ચેની કોઈપણ દ્વિપક્ષીય T20I શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ હાલ વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડના નામે છે. વર્ષ 2023માં રમાયેલી 5 મેચની શ્રેણીમાં બંને ટીમોએ મળીને કુલ 120 છગ્ગા ફટકાર્યા હતા.બીજી તરફ, ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં જ કુલ 98 છગ્ગા ફટકારાઈ ચૂક્યા છે. આ જૂનો રેકોર્ડ તોડવા માટે અંતિમ મેચમાં બંને ટીમોએ સંયુક્ત રીતે માત્ર 23 છગ્ગા ફટકારવાના રહેશે. જો બેંગલુરુમાં 23 છગ્ગા લાગશે તો કુલ આંકડો 121 પર પહોંચી જશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચાશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાઉન્ડ્રી નાની હોવાથી આ મેચમાં મોટા સ્કોર અને ઊંચા શોટ્સ જોવા મળવાની પૂરી સંભાવના છે.
