ઇન્ડિયન પ્રીમિયર લીગ 2027 શરૂ થવામાં હજુ સમય છે, પરંતુ દિલ્હી કેપિટલ્સે અત્યારથી જ મેદાન પર કમર કસી લીધી છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર પ્રી-સીઝન ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સિક્સર કિંગ યુવરાજ સિંહ બેટિંગ કોચ તરીકે કરુણ નાયરને આકરી તાલીમ આપતા નજરે પડે છે.
નેટ્સમાં કરુણ નાયર પર યુવીની ખાસ નજર
દિલ્હી કેપિટલ્સે 'કામ શરૂ થઈ ગયું છે' કેપ્શન સાથે 25 સેકન્ડનો પ્રેક્ટિસ વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં 34 વર્ષીય બેટ્સમેન કરુણ નાયર સંપૂર્ણ બેટિંગ કિટ સાથે નેટ્સમાં વિવિધ બોલ પર કવર ડ્રાઇવ અને આક્રમક શોટ્સ રમતા જોવા મળે છે. સહાયક અને બેટિંગ કોચ યુવરાજ સિંહ તેમની દરેક હિલચાલનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. શોટ્સ રમતી વખતે યુવરાજ 'લવલી હેડ', શોટ' અને 'નાઇસ હેન્ડ્સ, કરુણ' જેવા શબ્દો કહીને તેમના ફૂટવર્ક અને બેટ સ્પીડને પ્રોત્સાહિત કરતા સંભળાય છે. શુભમન ગિલ અને અભિષેક શર્મા જેવી પ્રતિભાઓને નિખાર્યા બાદ હવે યુવી કરુણ નાયરના ફોર્મને ધાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
https://x.com/DelhiCapitals/status/2110997082509353115?s=20
ગાંગુલી-યુવરાજની ઐતિહાસિક જોડી ફરી એકસાથે
દિલ્હી કેપિટલ્સે આ વખતે હેડ કોચ તરીકે સૌરવ ગાંગુલી અને બેટિંગ કોચ તરીકે યુવરાજ સિંહની દિગ્ગજ જોડીને ટીમનું સુકાન સોંપ્યું છે. ફ્રેન્ચાઇઝી દ્વારા શેર કરાયેલા અન્ય એક વીડિયોમાં યુવરાજે દાદા સાથેના સંબંધો વિશે વાત કરી હતી.યુવરાજે હસતાં હસતાં જણાવ્યું હતું કે, જ્યારે ગાંગુલીએ મને પૂછ્યું કે શું તું મારો સહાયક બનવાનું પસંદ કરીશ? ત્યારે મેં કહ્યું હતું કે હું છેલ્લાં 25 વર્ષથી તમારો સહાયક જ રહ્યો છું! ભારતીય ક્રિકેટના આ બંને પૂર્વ સુકાનીઓનો પરસ્પર તાલમેલ દિલ્હી કેપિટલ્સના ડ્રેસિંગ રૂમમાં નવી ઉર્જા ભરશે.
https://x.com/DelhiCapitals/status/2110739979504586922?s=20
દિલ્હી સાથે યુવરાજ સિંહનો જૂનો નાતો
યુવરાજ સિંહ આ ફ્રેન્ચાઇઝી માટે અજાણ્યા નથી. IPL 2015ની હરાજીમાં દિલ્હીએ તેમને ₹16 કરોડની બોલી લગાવીને તે સમયના સૌથી મોંઘા ખેલાડી બનાવ્યા હતા. તે સિઝનમાં યુવરાજે 14 મેચમાં 248 રન બનાવ્યા હતા. સમગ્ર IPL કરિયરમાં તેમણે 132 મેચ રમીને 2,750 રન અને 36 વિકેટ પોતાના નામે કરી છે.2019માં નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહે ભારતીય ટીમના યુવા ખેલાડીઓ શુભમન ગિલ, અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપીને તેમના કરિયરને નવી ઊંચાઈ આપી છે. હવે IPL 2027માં દિલ્હી કેપિટલ્સના બેટિંગ લાઇનઅપને યુવી કઈ રીતે તૈયાર કરે છે, તેના પર ચાહકોની નજર ટકેલી છે.
આ પણ વાંચો - IND vs WI: સીરિઝ વચ્ચે મોટો વિવાદ! BCCIની બમ્પર કમાણીથી કેરેબિયન બોર્ડ કેમ નારાજ?