ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ચોથી T20 મેચમાં નમન ધીરની સ્ટમ્પિંગ ચર્ચાનો વિષય બની હતી. વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર શાઈ હોપે ગુડાકેશ મોતીની બોલિંગમાં નમનને સ્ટમ્પ કર્યા હતા. જોકે, નમનનો પગ ક્રીઝની અંદર હતો કે નહીં તે સ્પષ્ટ ન થતાં થર્ડ અમ્પાયરને નિર્ણય લેવામાં લગભગ 5 મિનિટ લાગી હતી. અંતે નમનને આઉટ જાહેર કરવામાં આવ્યા હતા.
બેલ્સ ઊડવાની ક્ષણ સૌથી મહત્ત્વની હતી
ગુડાકેશ મોતીની બોલ પર નમન ધીર આગળ આવીને શોટ રમવા ગયા હતા, પરંતુ બોલ ટર્ન થતાં તેઓ તેને ચૂકી ગયા. વિકેટ પાછળ ઊભેલા શાઈ હોપે તક ઝડપી અને તરત બેલ્સ ઉડાવી દીધી. વેસ્ટ ઈન્ડિઝે સ્ટમ્પિંગની અપીલ કરી હતી. પ્રથમ નજરે નમનનો પાછળનો પગ ક્રીઝની અંદર પાછો આવી ગયો હોય એવું લાગતું હતું. પરંતુ સ્ટમ્પિંગના નિર્ણયમાં માત્ર પગ ક્રીઝની અંદર દેખાય છે કે નહીં તે પૂરતું નથી. બેલ્સ ઊડતી વખતે બેટરનો કોઈ ભાગ જમીન પર ક્રીઝની અંદર હોવો જરૂરી છે. આથી પગ જમીન પર હતો કે હવામાં, તે નક્કી કરવું મહત્ત્વનું હતું.
અલગ-અલગ એંગલથી તપાસ્યા રિપ્લે
થર્ડ અમ્પાયરે સાઇડ-ઓન, ફ્રન્ટ-ઓન અને ઝૂમ કરેલા રિપ્લે તપાસ્યા. સાઇડ-ઓન એંગલમાં નમનનો પાછળનો પગ જમીનને અડતો દેખાતો હતો, પરંતુ પગ જમીન પર આવવાની અને બેલ્સ ઊડવાની ક્ષણ લગભગ એકસાથે હતી. ત્યારબાદ અન્ય એંગલ તપાસવામાં આવ્યા. ફ્રન્ટ-ઓન અને ઝૂમ કરેલા સાઇડ-એંગલમાં બેલ્સ ઊડતી વખતે નમનનો પગ હવામાં હોવાનું દેખાયું. આ જ બાબત નિર્ણયમાં નિર્ણાયક બની હતી અને અંતે તેમને આઉટ જાહેર કરવામાં આવ્યા.
https://x.com/StarSportsIndia/status/2110416391836967392?s=20
અગાઉ પણ થર્ડ અમ્પાયરના નિર્ણયમાં લાગ્યો હતો લાંબો સમય
ક્રિકેટમાં અગાઉ પણ આવા લાંબા રિવ્યૂ જોવા મળ્યા છે. 2026ની મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં લિઝેલ લીની સ્ટમ્પિંગ તપાસવામાં થર્ડ અમ્પાયરને 5 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. લિઝેલનું બેટ જમીન પર હતું કે હવામાં, તે જાણવા અનેક રિપ્લે અને સ્ટમ્પ કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. બીજી તરફ, 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એડિલેડમાં રમાયેલી ટેસ્ટમાં નેથન લાયન સામેની કેચની અપીલના રિવ્યૂમાં પણ 5 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. થર્ડ અમ્પાયર નિજલ લોંગે Hot Spot અને Snickometer સહિતના પુરાવા તપાસ્યા બાદ લાયનને નોટઆઉટ જાહેર કર્યો હતો. જ્યારે નવેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પર્થ એશિઝ ટેસ્ટમાં જેમી સ્મિથ સામેની કેચની અપીલના રિવ્યૂમાં પણ લગભગ 5 મિનિટ સુધી તપાસ ચાલી હતી અને અંતે તેમને આઉટ જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય કિસ્સાઓમાં નિર્ણય માટે રિપ્લે અને ટેક્નોલોજીના સંકેતો તપાસવામાં લાગેલા સમયને કારણે ચર્ચા થઈ હતી
https://x.com/ShaneWarne/status/670483532569927680?s=20
સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ
નમનને આઉટ જાહેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. કેટલાકે કહ્યું કે અલગ-અલગ એંગલ તપાસ્યા બાદ સાચો નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે કેટલાકે નિર્ણય લેવામાં લાગેલા લાંબા સમય અને શરૂઆતના રિપ્લે અંગે સવાલ ઉઠાવ્યા હતા. નમન ધીર પણ નિર્ણયથી નારાજ દેખાયા હતા અને નિરાશામાં મેદાન છોડીને ગયા હતા. તેઓ માત્ર 1 બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા.
ભારતને 24 રનથી હાર મળી
આ વિકેટ ભારતની ઇનિંગ્સના મહત્ત્વના તબક્કે પડી હતી. વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપની અણનમ 102 રનની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 247/3નો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 223 રનમાં ઓલઆઉટ થઈ અને વેસ્ટ ઈન્ડિઝે 24 રનથી મેચ જીતી લીધી હતી. આ સાથે પાંચ મેચની T20 શ્રેણી 2-2થી બરાબર થઈ હતી.
આ પણ વાંચો: Lord's Pitch: બેટ્સમેનો માટે કાળ બની પિચ, હવે MCCએ પિચ જ ખોદી નાખવાનો નિર્ણય લીધો