ભારતીય ક્રિકેટની એક ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે T20 સિરીઝ રમી રહી છે, જ્યારે બીજી તરફ ભારત A ટીમ ઓસ્ટ્રેલિયા A સામે 3 મેચની વનડે સિરીઝમાં વ્યસ્ત છે. આ સિરીઝમાં ભારતીય ટીમના ટોચના બેટરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ખાસ કરીને સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સતત 2 મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સિરીઝ પહેલાં આ ખેલાડીઓનું ખરાબ ફોર્મ ચર્ચાનો વિષય બન્યું છે.
પ્રથમ વનડેમાં ભારત Aનો 125 રનથી પરાજય
ઓસ્ટ્રેલિયા Aની ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે,જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે.સિરીઝની પ્રથમ મેચમાં ભારત Aને 125 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા Aએ 274 રન બનાવ્યા હતા.જવાબમાં ભારતીય ટીમના ટોચના બેટરો સસ્તામાં આઉટ થઈ ગયા હતા.ટીમને સારી શરૂઆત ન મળતાં બાકીના બેટરો પર દબાણ વધી ગયું હતું.પ્રથમ મેચમાં મળેલી હાર બાદ આશા હતી કે બીજી મેચમાં ભારતીય બેટરો જોરદાર વાપસી કરશે.જોકે,બીજી મેચમાં પણ ટીમના મુખ્ય બેટરો મોટી ઇનિંગ રમી શક્યા નહોતા.
બીજી વનડેમાં પણ સાઈ સુદર્શન અને પડિક્કલ ફ્લોપ
બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા Aએ ભારત સામે 275 રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી.ઓપનર દેવદત્ત પડિક્કલ 10 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. બીજી તરફ, સાઈ સુદર્શન પણ 29 બોલમાં માત્ર 13 રન બનાવી શક્યો હતો.કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. જોકે, તે પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને 5 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.આમ, ભારતીય ટીમના 3 મુખ્ય બેટરો ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. સતત બીજી મેચમાં ટોચના બેટરોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમની બેટિંગ અંગે સવાલ ઊભા થયા છે.
પ્રથમ મેચમાં પણ ત્રણેય બેટરોનું ખરાબ પ્રદર્શન
સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ અને ઋતુરાજ ગાયકવાડનું ખરાબ ફોર્મ માત્ર બીજી મેચ પૂરતું સીમિત નથી. પ્રથમ વનડેમાં પણ આ ત્રણેય ખેલાડીઓ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.સાઈ સુદર્શન પ્રથમ મેચમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 30 બોલમાં માત્ર 15 રન બનાવ્યા હતા.આ મેચમાં રજત પાટીદારે 51 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. જોકે, તેની અડધી સદી પણ ભારતીય ટીમને હારમાંથી બચાવી શકી નહોતી.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પહેલાં વધ્યું દબાણ
ભારતીય ટીમ આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમવાની છે. T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ વનડે સિરીઝ માટે હજુ ટીમ જાહેર કરવામાં આવી નથી.એવી ચર્ચા છે કે પસંદગીકારો ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની વનડે સિરીઝમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.સાઈ સુદર્શન,દેવદત્ત પડિક્કલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ માટે આ સિરીઝ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સતત 2 મેચમાં નિષ્ફળ રહ્યા બાદ હવે આગામી મેચમાં સારું પ્રદર્શન કરવું તેમના માટે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો - India vs Pakistan Match : દિવાળીએ જામશે હાઈવોલ્ટેજ જંગ! ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો સંપૂર્ણ શેડ્યૂલ