એશિયન ક્રિકેટ કાઉન્સિલ એ અંડર-19 એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન 5થી 14 નવેમ્બર દરમિયાન ઓમાનમાં કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈવોલ્ટેજ મુકાબલો 8 નવેમ્બરે દિવાળીના દિવસે રમાશે. આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમો વચ્ચેની ટક્કર ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે.
અંડર-19 એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે
આ વખતે અંડર-19 એશિયા કપ વનડે એટલે કે 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને યુએઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રુપ-Bમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મલેશિયાની ટીમો છે. ટુર્નામેન્ટનો પ્રારંભ 5 નવેમ્બરે થશે, જેમાં પ્રથમ દિવસે શ્રીલંકા-મલેશિયા અને બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે.
https://x.com/ACCMedia1/status/2108101271907672339?s=20
દિવાળીના દિવસે કેટલા વાગ્યે શરૂ થશે IND vs PAK મેચ?
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત 6 નવેમ્બરે નેપાળ સામે કરશે. આ મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ત્યારબાદ 8 નવેમ્બરે ભારત અને પાકિસ્તાનની યુવા ટીમો આમનેસામને આવશે. આ મહામુકાબલો અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડના મિનિસ્ટ્રી ટર્ફ-2 ખાતે ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ભારત પોતાની છેલ્લી ગ્રુપ મેચ 10 નવેમ્બરે યુએઈ સામે રમશે. જોકે ક્રિકેટપ્રેમીઓની સૌથી વધુ નજર ભારત-પાકિસ્તાનના મુકાબલા પર રહેશે.
12 નવેમ્બરે સેમિફાઇનલ અને 14 નવેમ્બરે ફાઇનલ
ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ 12 નવેમ્બરે બંને સેમિફાઇનલ મેચ રમાશે. પ્રથમ સેમિફાઇનલમાં ગ્રુપ-Aની ટોચની ટીમ ગ્રુપ-Bની બીજા ક્રમની ટીમ સામે રમશે. બીજી સેમિફાઇનલમાં ગ્રુપ-Aની બીજા ક્રમની ટીમનો મુકાબલો ગ્રુપ-Bની પ્રથમ ક્રમની ટીમ સાથે થશે. બંને મેચની વિજેતા ટીમો 14 નવેમ્બરે ફાઇનલમાં ટકરાશે.
અંડર-19 એશિયા કપમાં ભારતનો દબદબો
અંડર-19 એશિયા કપના ઇતિહાસમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ 8 વખત ટાઇટલ જીત્યું છે, જેમાં એક સંયુક્ત વિજય પણ સામેલ છે. ઉપરાંત ટીમ બે વખત ઉપવિજેતા રહી છે. ભારતે છેલ્લે 2021માં આ ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે 2026માં યુવા ભારતીય ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો - Team India સામેની T20 સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, આ 2 ખેલાડીઓ થયા બહાર